IND-W vs ENG-W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને કારમી હાર આપીને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવ્યો છે.


ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઇનિંગ 186 રન પર ડિકલેર કરી હતી, અને મહેમાન ટીમને જીતવા માટે 478 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરતા ઈંગ્લિશ ટીમ 27.3 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ઇનિંગમાં 428 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જ્યારે ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.


39 ટેસ્ટ મેચોમાં ભારતની આ છઠ્ઠી જીત હતી. ટીમ ઈન્ડિયાના નામે 27 ડ્રો ઉપરાંત આમાં 6 હારનો પણ સમાવેશ થાય છે. ભારતે 300થી વધુ રનથી જીત મેળવીને મહિલા ટેસ્ટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા 1998માં શ્રીલંકાએ પાકિસ્તાન સામે 309 રનથી જીત મેળવી હતી.


મહિલા ટેસ્ટ ક્રિકેટમાં જીતનું સૌથી મોટુ અંતર (રનોના હિસાબથી)


347 – IND-W વિરૂદ્ધ ENG-W, મુંબઇ DYP, 2023
309- SL-W વિરૂદ્ધ PAK-W, કોલંબો (કૉલ્ટ્સ), 1998
188 – NZ-W વિરૂદ્ધ SA-W, ડરબન, 1972
186 – AUS-W વિરૂદ્ધ ENG-W, એડિલેડ, 1949
185 – ENG-W વિરૂદ્ધ NZ-W, ઓકલેન્ડ , 1949


ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ભારતની જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ સહિત કુલ 9 વિકેટો લીધી. પ્રથમ ઇનિંગમાં દીપ્તિએ માત્ર 7 રન આપીને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.


 


દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમને ડબલ ઝટકો, દીપક ચાહર વન ડે અને મોહમ્મદ શમી ટેસ્ટ સીરિઝમાંથી બહાર


ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં બે મોટા આંચકાઓ લાગ્યા છે. ODI ટીમનો હિસ્સો રહેલા દીપક ચહરે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે. દીપકે પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે ઓડીઆઈ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પસંદગી સમિતિએ તેના સ્થાને આકાશ દીપની પસંદગી કરી છે. શમી વિશે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને બોલરો વિશે માહિતી શેર કરી છે. આ પહેલા દીપક ચહર પણ આફ્રિકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેણે કોઈ મેચ રમી ન હતી, તે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા આવ્યો ન હતો. હવે તેણે 17 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે મેડિકલ ટીમે શમીની ફિટનેસ ચેક કરી હતી. જેમાં તે પાસ થયો નથી, તેના કારણે તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.


ભારતીય ટીમે દીપક ચહર બહાર બાદ ODI ટીમને અપડેટ કરી 


રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, આકાશ દીપ.


 



આ સિવાય બીસીસીઆઈએ કહ્યું કે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાનાર પ્રથમ વનડે પછી બેટ્સમેન શ્રેયસ ઐયર ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં સામેલ થશે. ઐયર બીજી અને ત્રીજી વનડેમાં ભારતનો ભાગ નહીં હોય અને ઇન્ટર-સ્કવોડ મેચમાં ભાગ લેશે.


ODI શ્રેણીમાં કોચિંગ સ્ટાફ બદલાશે


અપડેટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મહામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટેસ્ટ ટીમમાં જોડાશે અને ઈન્ટ્રા સ્કવોડ અને ટેસ્ટ શ્રેણીની તૈયારીઓનું ધ્યાન રાખશે. ઈન્ડિયા 'A' નો કોચિંગ સ્ટાફ ODI ટીમને મદદ કરશે. ઇન્ડિયા A ના કોચિંગ સ્ટાફમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ રાજીવ દત્તા અને ફિલ્ડિંગ કોચ અજય રાત્રાનો સમાવેશ થશે.