MI vs GG Highlights WPL Eliminator: મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને મહિલા પ્રીમિયર લીગ 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ WPL 2025ની એલિમિનેટર મેચ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 166 રન બનાવી શકી અને 47 રનથી મેચ હારી ગઈ હતી. મુંબઈએ બોલિંગ અને બેટિંગમા શાનદાર પ્રદર્શન કર્યું અને ગુજરાતને હરાવ્યું હતું.
ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. યાસ્તિકા ભાટિયા જલદી આઉટ થઈ ગઈ, પરંતુ હેલી મેથ્યુઝ અને નેટ સાયવર બ્રન્ટે જે રીતે ગુજરાતના બોલરોને ફટકાર્યા તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આખી MI ટીમ ફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે. મેથ્યુઝ અને બ્રન્ટ બંનેએ 77 રન બનાવ્યા અને સાથે મળીને 133 રનની મોટી ભાગીદારી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આજે આક્રમક મૂડમાં જોવા મળી હતી. હરમનપ્રીતે મેદાનમાં આવતાની સાથે જ 12 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 36 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
મુંબઈ બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.
WPLના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ MI ટીમે WPL 2023ની ફાઇનલ રમી હતી અને દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે 15 માર્ચે ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. દિલ્હી અત્યાર સુધીમાં ત્રણ વખત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી છે.
ગુજરાતની વાત કરીએ તો તે પહેલીવાર મહિલા પ્રીમિયર લીગના પ્લેઓફમાં પહોંચ્યું હતું. 2023 અને 2024 સીઝનમાં તેને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે પહેલીવાર ફાઇનલ રમવાનું ગુજરાતનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું છે.