કેપટાઉનઃ ટી-20  ઇન્ટરનેશનલ ક્રિકેટ પાકિસ્તાનની મહિલા ટીમ લગભગ 18 વર્ષથી રમી રહી છે, પરંતુ બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 ના રોજ પહેલીવાર કોઈ બેટ્સમેને સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે T20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં સદી જોવા મળી હતી. પાકિસ્તાન ટીમની ઓપનર મુનીબા અલી સિદ્દીકીએ પોતાના દેશ માટે આ કારનામું કરીને ઈતિહાસ રચી દીધો છે. મુનીબા  68 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 102 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.






નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાન માટે મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 75 રનનો હતો, જે નિદા ડારે બનાવ્યો હતો, પરંતુ આ મેચમાં મુનીબા અલી સિદ્દિકી એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનારી છઠ્ઠી મહિલા ખેલાડી બની ગઈ છે. તેના પહેલા ડિઆન્ડ્રા ડોટિન, મેગ લેનિંગ, હરમનપ્રીત કૌર, હીથર નાઈટ અને લિઝેલ લીએ આ કરિશ્મા કર્યો હતો.






આ મેચની વાત કરીએ તો મુનીબા અલીની સદીની મદદથી પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મુનીબાએ 102 અને નિદા ડારે 33 રન બનાવ્યા હતા. જ્યારે આયરલેન્ડની ટીમ 16.3 ઓવરમાં 95 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ રીતે પાકિસ્તાને 70 રનથી જીત મેળવી હતી. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ડાબોડી બેટ્સમેન મુનીબા અલીએ ટી20 વર્લ્ડ કપની ગ્રુપ બીની મેચમાં આયરલેન્ડ સામે 66 બોલમાં સદી ફટકારી હતી.