India vs England: ટીમ ઈન્ડિયાએ નાગપુર વનડે મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી છે. આ જીતમાં ભારતના ત્રણ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે ટીમે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી શકી. શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ એ ત્રણ ખેલાડીઓ હતા જેમણે અડધી સદી ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી.

ભારતીય બોલરોએ પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 248 રનમાં સીમિત રાખ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણાએ પણ 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરાવ્યો હતો. આ જ કારણે ભારત મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.

જ્યારે ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી, ત્યારે શરૂઆતમાં 19 રનમાં 2 વિકેટ ગુમાવીને થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. શુભમન ગિલે આક્રમક બેટિંગ કરતા 87 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસ અય્યરે પણ 59 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. અને અક્ષર પટેલે 52 રન બનાવીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ત્રણેય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીતના લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું.

ભારતની જીતનું ત્રીજું મોટું કારણ ત્રીજી વિકેટ માટે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે થયેલી ભાગીદારી હતી. જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ બંને બેટ્સમેનોએ મળીને રન બનાવ્યા અને ટીમ પરથી દબાણ દૂર કર્યું. તેમની ભાગીદારીના કારણે જ ભારત માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

શુભમન ગિલ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખાસ રહ્યો ન હતો, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર વાપસી કરી હતી. તેણે કર્ણાટક સામેની મેચમાં સદી ફટકારી હતી અને ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો હતો. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં તેણે ફરીથી પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય કરાવ્યો અને સાબિત કર્યું કે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.

આમ, બોલરોનું શાનદાર પ્રદર્શન, ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનોની અડધી સદી અને ત્રીજી વિકેટ માટે થયેલી મહત્વપૂર્ણ ભાગીદારી ભારતીય ટીમની જીતના મુખ્ય કારણો રહ્યા હતા.

આ પણ વાંચો....

વિરાટ કોહલી તોડશે સચિનનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ વખત થશે આવો ચમત્કાર