Naseem Shah Suffering Injury: આગામી દિવસોમાં ક્રિકેટ એશિયા કપ 2023ની શરૂઆત થઇ રહી છે, આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ જો કોઇ મેચની ચર્ચા થઇ રહી છે તો તે છે ભારત અને પાકિસ્તાનની મેચની. પરંતુ આ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી એશિયા કપ અને શ્રીલંકામાં અફઘાનિસ્તાન સામેની 3 મેચની વનડે સીરીઝ માટે પહેલાથી જ તેની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે પાકિસ્તાન ટીમ માટે મોટી મુશ્કેલી ફાસ્ટ બૉલર નસીમ શાહની ઈજાના રૂપમાં સામે આવી છે. કોલંબો સ્ટ્રાઈકર્સ ટીમનો ભાગ નસીમ શાહને લંકા પ્રીમિયર લીગ (LPL)ની આ સિઝનમાં ટીમની છેલ્લી લીગ મેચમાં સામેલ કરવામાં આવ્યો ના હતો. કોલંબો ટીમ માટે આ મેચ કરો યા મરો હતી, તેમ છતાં તેમને નસીમને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવો પડ્યો.
ગાલે ટાઇટન્સ સામેની આ મેચમાં કોલંબો સ્ટ્રાઈકર્સની ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, અને આ સાથે જ સિઝનમાં તેની સફરનો અંત આવ્યો હતો. હવે નસીમ શાહ ના રમવાના કારણે પાકિસ્તાની ટીમ અને કેપ્ટન બાબર આઝમની ચિંતા ચોક્કસપણે વધી ગઈ છે. આ પછી સમાચાર આવ્યા કે નસીમ શાહ ખભાની ઈજાને કારણે આ મેચમાં રમી શકશે નહીં.
ક્રિકેટ પાકિસ્તાનમાં નસીમ શાહની ઈજા વિશે એવી માહિતી સામે આવી છે કે ખભાની ઈજાને કારણે તેમને આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નસીમની ઈજા ગંભીર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે, પીડા વધે નહીં તેની કાળજી લેવામાં આવી હતી. વળી, એવી આશા છે કે 22 ઓગસ્ટથી અફઘાનિસ્તાન સામે શરૂ થનારી વનડે સીરીઝ પહેલા નસીમ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
નસીમનું બહાર રહેવું પાકિસ્તાન માટે મોટો ઝટકો -
જો નસીમ શાહ એશિયા કપમાંથી બહાર થઈ જાય છે તો પાકિસ્તાની ટીમ માટે તેને મોટો ઝટકો માનવામાં આવી શકે છે. કેટલાક સમયથી નસીમ પાકિસ્તાન ટીમ માટે વનડેમાં મુખ્ય ફાસ્ટ બૉલરની ભૂમિકા ભજવી રહ્યો હતો. એલપીએલની આ સિઝનમાં તેને 7 મેચમાં 10 વિકેટ લીધી. આ ઉપરાંત નસીમે અત્યાર સુધી 8 વનડેમાં 23 વિકેટો ઝડપી છે.