Neil Patel Australia U19 squad: ક્રિકેટ જગતમાં ભારતીય મૂળના ખેલાડીઓનો દબદબો સતત વધી રહ્યો છે. આગામી 13 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ મલ્ટી-ફોર્મેટ સિરીઝ માટે ભારતનો પ્રવાસ ખેડવાની છે. આ પ્રવાસ માટે સોમવારે, 3 ઓગસ્ટના રોજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં એક નામ એવું છે જેણે અત્યારથી જ સૌ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, અને તે નામ છે 16 વર્ષના ગુજરાતી મૂળના ખેલાડી નીલ પટેલનું. નાની ઉંમરમાં જ પોતાની શાનદાર રમતથી ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સને પ્રભાવિત કરનાર આ નીલ પટેલ કોણ છે અને તેની ક્રિકેટ સફર કેવી રહી છે, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Continues below advertisement

કોણ છે નીલ પટેલ?

નીલ પટેલ ઓસ્ટ્રેલિયામાં જન્મેલો અને ઉછરેલો યુવા ક્રિકેટર છે, પરંતુ તેના પૂર્વજો અને મૂળ ભારતના ગુજરાત સાથે જોડાયેલા છે. તે ઓસ્ટ્રેલિયામાં 'ન્યૂ સાઉથ વેલ્સ' તરફથી સ્થાનિક ક્રિકેટ રમે છે. ભારત સામે રમાનારી આ સિરીઝ નીલ માટે પોતાની ટેલેન્ટ બતાવવા માટેની એક બહુ જ મોટી અને મહત્વપૂર્ણ તક છે. નીલ ટીમમાં એક આક્રમક ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે અને સાથે સાથે તે એક સારો ઓફ-સ્પિનર પણ છે.

Continues below advertisement

ફર્સ્ટ ગ્રેડ ક્રિકેટમાં રચ્યો છે ઈતિહાસ

આ 16 વર્ષીય ઉભરતા સ્ટારે સિડની પ્રીમિયર ક્રિકેટ ફર્સ્ટ ગ્રેડમાં રમીને એક મોટો ઈતિહાસ રચ્યો છે. નીલ એક જ કેલેન્ડર વર્ષમાં 1000 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. એટલું જ નહીં, તાજેતરમાં જ ભારતીય મૂળના આ ખેલાડીએ ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં પોતાની કારકિર્દીની સૌપ્રથમ સદી (સેન્ચુરી) પણ ફટકારી છે. આ જ કારણ છે કે ભારત પ્રવાસ દરમિયાન તમામની નજર તેના પ્રદર્શન પર ટકેલી રહેશે.

આ પણ વાંચોઃ મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

કેવી રીતે મળ્યું ટીમમાં સ્થાન?

નીલની આ પસંદગી પાછળનું મુખ્ય કારણ તેનું સતત સારું પ્રદર્શન છે. એડિલેડમાં રમાયેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના 'અંડર-19 ટેલેન્ટ કપ'માં તેણે જબરદસ્ત દેખાવ કર્યો હતો. આ શાનદાર પ્રદર્શને જ તેને અંડર-19 ટીમમાં સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે તેને ઓસ્ટ્રેલિયાની સૌથી હોટ અને ઉભરતી યુવા પ્રતિભાઓમાંની એક ગણવામાં આવે છે.

ક્રીઝ પર ટકી રહેવાની જબરદસ્ત ક્ષમતા

જો નીલની બેટિંગ સ્ટાઈલની વાત કરીએ તો, તે ક્રીઝ પર પોતાની દ્રઢતા અને ધીરજ માટે ખૂબ જાણીતો છે. તે સતત સ્ટ્રાઇક રોટેટ કરીને સ્કોરબોર્ડને ચાલતું રાખવામાં માને છે. પોતાની આ જ ખાસિયતના કારણે તે કોઈપણ પરિસ્થિતિમાં અને કોઈપણ મેદાન પર ટીમ માટે મોટું યોગદાન આપી શકે છે. હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે તે પોતાના મૂળ દેશ ભારતના પ્રવાસ પર કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચોઃ એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

ભારત પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ આ મુજબ છે:

કેસી બાર્ટન, હેડન બાર્બુલોવી, એલી બ્રેઈન, વિલ બાયરામ, બ્લેક કેટલ, જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, જેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો ત્સિંગોસ અને થોમસ વાસિયો.