Netherlands vs Nepal 3 Super over in T20 International Match: ક્રિકેટના મેદાનમાં પહેલીવાર આવું બન્યું છે. જ્યારે મેચનું પરિણામ ત્રણ સુપર ઓવરમાં નક્કી થયું હતું. આ મેચમાં નેધરલેન્ડ્સે નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. સોમવાર (16 જૂન) ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર દિવસ બની ગયો જ્યારે નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચે રમાયેલી ટી-20 મેચ ત્રીજી સુપર ઓવર સુધી ચાલી હતી. આ રોમાંચક મેચમાં નેધરલેન્ડ્સે આખરે જીત મેળવી અને ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
ગ્લાસગોમાં પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડ્સે 152 રન બનાવ્યા હતા. વેસ્લે બાર્સી, વિક્રમજીત સિંહ અને તેજા નિદામાનુરુએ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી જ્યારે નેપાળ તરફથી સંદીપ લામિછાને શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી હતી. જેના જવાબમાં નેપાળે પણ 152 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત પૌડેલ (48 રન) અને કુશલ ભુર્તેલ (34 રન) ની ઇનિંગ્સે ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી. ડેનિયલ ડોરમે નેધરલેન્ડ્સ માટે 3 વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી હતી.
આ પહેલી વાર હતું જ્યારે પુરુષોની ટી-20 અથવા લિસ્ટ A મેચમાં ત્રીજી સુપર ઓવર રમાઇ હતી. નેધરલેન્ડ્સના બોલરો ડોરમ અને જેક લાયન-કેશે ગેમ બદલી દીધી હતી. ત્રણ વાર વિજયની નજીક આવ્યા પછી નેપાળ મેચ હારી ગયું. આ રીતે આ મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે સદીની સૌથી રોમાંચક મેચોમાંની એક બની ગઈ હતી.
ત્રણ સુપર ઓવર સાથેની મેચ
પ્રથમ સુપર ઓવર: નેપાળના ભુર્તેલની વિસ્ફોટક હિટને કારણે નેપાળે 19 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સે છેલ્લા બોલ પર મેચ બરાબર કરી હતી.
બીજી સુપર ઓવર: નેધરલેન્ડ્સે 17 રન બનાવ્યા પરંતુ નેપાળના દિપેન્દ્ર સિંહ એરીએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ફરીથી સ્કોર બરાબર કર્યો હતો.
ત્રીજી સુપર ઓવર: જેક લિયોન-કેશે નેપાળના બંને બેટ્સમેનોને આઉટ કર્યા અને ટીમને શૂન્ય પર રોકી દીધી. પછી માઈકલ લેવિટે સિક્સર ફટકારી અને નેધરલેન્ડ્સને જીત અપાવી હતી.
ICC નિયમ શું કહે છે?
ICC નિયમ મુજબ, જો બંને ઇનિંગ્સ પૂર્ણ થયા પછી ટીમોના સ્કોર સમાન હોય તો સુપર ઓવર રમાશે. જો સુપર ઓવર ટાઇ થાય છે તો વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે.