IND vs AUS semi-final pitch: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ટીમ માટે સેમિફાઈનલ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ પહેલા ભારતીય ટીમને એક મોટું સરપ્રાઈઝ મળ્યું છે, જે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી વધારી શકે છે.
વાસ્તવમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલ મેચ એક નવા ટ્રેક પર રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે પણ પીચ અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું કે, "અમને ખબર નથી કે સેમિફાઇનલ કઈ પીચ પર રમાશે." ઉલ્લેખનીય છે કે ભારતે દુબઈમાં અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમી છે અને આ ત્રણેય મેચ અલગ-અલગ પીચ પર રમાઈ હતી. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચો જુદી-જુદી પીચો પર યોજાઈ હતી. હવે સેમિફાઇનલ માટે તદ્દન નવી વિકેટ તૈયાર કરવામાં આવી છે, જેનો અગાઉ ઉપયોગ થયો નથી.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વિકેટનું સંચાલન અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા કરવામાં આવે છે અને તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની દેખરેખ હેઠળ છે. મેથ્યુ સેન્ડ્રી અહીંના પિચ ક્યુરેટર છે. ખાસ વાત એ છે કે DICS અને ICC એકેડેમી બંને પાસે ઓસ્ટ્રેલિયન પિચ ક્યુરેટર છે.
એવું માનવામાં આવતું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક જ સ્થળ પર રમવાનો ફાયદો ભારતીય ટીમને મળી શકે છે, પરંતુ ભારતીય કેપ્ટને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આ અમારું ઘર નથી, આ દુબઈ છે. અમે અહીં નિયમિત રીતે આટલી બધી મેચો નથી રમતા. અમારા માટે પણ આ પરિસ્થિતિ નવી જ છે." રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં વિકેટ જોવાની તક ન મળી હોવાનું પણ જણાવ્યું હતું, કારણ કે ભારતીય ટીમને મેચ પહેલા આરામ આપવામાં આવ્યો હતો.
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે ધીમી અને શુષ્ક હોય છે, જે સ્પિનરોને મદદ કરે છે. સેમિફાઇનલ માટે તૈયાર કરવામાં આવેલી નવી વિકેટ પણ આનાથી ખાસ અલગ હોવાની શક્યતા નથી. આમ છતાં, નવી પીચ પર રમવાનો અનુભવ ન હોવાના કારણે ભારતીય ટીમ માટે થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે.
આ પણ વાંચો....
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ