નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ શુક્રવારે શરૂ થઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ન્યૂઝિલેન્ડે આજે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બંન્ને ટીમો વચ્ચે ફાઇનલ સાઉથેમ્પ્ટનના એજેસ બાઉસ મેદાનમાં રમાશે. ન્યૂઝિલેન્ડ માટે સારા સમાચાર એ છે કે તેના કેપ્ટન કેન વિલિયમ્સન ઇજામાંથી બહાર આવી ગયો છે અને ફરીવાર નેતૃત્વ કરતો જોવા મળશે. વિલિયમ્સનને ઇગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચ અગાઉ ઇજા પહોંચી હતી.
ન્યૂઝિલેન્ડ ક્રિકેટે જણાવ્યું કે કેપ્ટન કેન વિલિયમ્સન સિવાય વિકેટકીપ બેટ્સમેન બીજે વોટલિંગની પણ ટીમમાં વાપસી થઇ છે. કોલિન ડિ ગ્રાન્ડહોમને ઓલરાઉન્ડના રૂપમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એજાજ પટેલ એકમાત્ર સ્પેશ્યાલિસ્ટ સ્પિનર હશે. ઇગ્લેન્ડ સીરિઝ માટેની ટીમમાં સામેલ મિચેલ સેન્ટનર અને ડૈરિલ મિચેલને ભારત સામેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ઇગ્લેન્ડ સીરિઝ માટેની ટીમમાં સામેલ ટોમ લૈથમ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર અને ડેવન કોન્વેને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝડપી બોલિંગની વાત કરીએ તો તેમાં ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉથી, મૈટ હેનરી અને કાઇલ જેમિસનને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિલ યંગને વધારાના બોલર અને ટોમ બ્લન્ડલને વધારાના વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન અપાયું છે.
ન્યૂઝિલેન્ડ ટીમના કોચ ગૈરી સ્ટેન્ડે કહ્યું કે, વિલિયમ્સન અને વોટલિંગ ઇજાના કારણે ઇગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ રમી શક્યા નહોતા. હવે એક સપ્તાહના આરામના કારણે તેઓ વધુ સ્વસ્થ થયા છે. સાથે તેમણે કહ્યું કે, ફાઇનલમાં રમવું અમારા માટે સૌથી ખાસ અવસર હશે અને ટીમ આ માટે પુરી રીતે તૈયાર છે. જોકે ભારત પાસે એક વર્લ્ડ ક્લાસ ટીમ છે એટલા માટે અમારા માટે આ કામ સરળ નહીં હોય.
ટીમઃ
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ બ્લન્ડલ, ટ્રેટ બોલ્ટ, ડેવન કોન્વે, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મૈટ હેનરી, કાઇલ જેમિસન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એજાજ પટેલ, ટીમ સાઉથી, રોસ ટેલર, નીલ વૈગ્રર, બીજે વોટલિંગ, વિલ યંગ