ઑકલેન્ડ: ન્યૂઝીલેન્ડ સરકારે દેશમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટ શરું કરવાની મંજૂરી આપી દીધી છે. કોરોના મહામારીના કારણે અહીં કેટલાક મહિનાઓથી ઈન્ટરનેશનલ ક્રિકેટ બંધ હતી. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ એક નિવેદન જાહેર કરી તેની પુષ્ટી કરી છે.

ન્યૂઝિલેન્ડ ક્રિકેટે શુક્રવારે આપેલા નિવેદનમાં કહ્યું કે, “સરકારે અમને ઈન્ટરનેશનલ ક્રિકેટના આયોજન માટે લીલી ઝંડી આપી દીધી છે. હવે અમે નવેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની યજમાનીનો કાર્યક્રમ કરી શકીએ છીએ.”

વેસ્ટઈન્ડીઝ ન્યૂઝીલેન્ડમાં તેની વિરુદ્ધ ત્રણ ટી10 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે જ્યારે પાકિસ્તાનની ટીમ  ત્રણ ટી20 અને બે ટેસ્ટ રમવાની છે. તે સિવાય ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સાથે એક ત્રિકોણીય સીરિઝ રમવા પર પણ વિચાર કરી રહી છે.

તેની વચ્ચે ન્યૂઝીલેન્ડ ટીમનો આવતા વર્ષના જાન્યુઆરીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટાળી દેવામાં આવ્યો છે. હવે આ સીરીઝ ક્યારે રમાશે તે અંગે વધુ જાણકારી સામે આવી નથી. આ સીરિઝ હેઠળ ત્રણ વનડે અને એક ટી20 મેચ રમાશે.