નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે શુક્રવારે એડિનબર્ગમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્કોટલેન્ડને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મિશેલ સેન્ટનરની કેપ્ટનશીપમાં ન્યૂઝિલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવ્યા, જે આ ટીમનો T20માં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પછી સ્કોટલેન્ડની ટીમ 9 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આ સાથે કિવી ટીમે 2 મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ રહેલા માર્ક ચેપમેને શાનદાર પ્રદર્શન કર્યું અને 44 બોલમાં 83 રનની આક્રમક ઇનિંગ રમી હતી. દરમિયાન તેણે પાંચ ફોર અને સાત સિક્સ ફટકારી હતી. તેના સિવાય માઈકલ બ્રેસવેલે પણ અડધી સદી ફટકારી હતી અને અણનમ પરત ફર્યો હતો. બ્રેસવેલે 25 બોલમાં 8 ચોગ્ગા, 3 છગ્ગા સાથે અણનમ 61 રન બનાવ્યા હતા.






ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. માર્ક ચેપમેન અને માઈકલ બ્રેસવેલની અડધી સદીના આધારે આ ટીમે પોતાનો T20નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.  અગાઉ, આ ફોર્મેટમાં તેનો ટોપ સ્કોર 5 વિકેટે 243 રન હતો, જે તેણે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.


પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમે 25ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. છેલ્લી મેચનો હીરો ફિન એલન 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઓપનર અને વિકેટકીપર ક્લીવરે પણ 28 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડેરીલ મિશેલ અને માર્ક ચેપમેને ત્રીજી વિકેટ માટે 62 રન જોડ્યા હતા. મિશેલનું યોગદાન 31 રન હતું. ચેપમેને બ્રેસવેલ સાથે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. જીમી નિશમે 12 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 28 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડના ગેવિન મેને 2 જ્યારે હમઝા તાહિર, ઈવાન્સ અને ક્રિસ ગ્રીવ્ઝને 1-1 વિકેટ મળી હતી.


ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સ્કોટિશ ટીમના બેટ્સમેનો ખાસ કંઈ કરી શક્યા ન હતા. ક્રિસ ગ્રીવસે સૌથી વધુ રન ફટકાર્યા હતા. તેણે 29 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન રિચી બેરિંગટને 22 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી નીશમ અને માઈકલ રિપને 2-2 વિકેટ લીધી હતી જ્યારે બ્રેસવેલ, બેન સીયર્સ, કેપ્ટન સેન્ટનર અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી હતી.