AUS Vs NED, Innings Highlights: ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને જીતવા માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને પણ અડધી સદી ફટકારી હતી. ગ્લેન મેક્સવેલનો આક્રમક અંદાજ ફરી જોવા મળ્યો હતો. તેણે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વોર્નરે પણ સદી ફટકારી હતી. નેધરલેન્ડ તરફથી વાન બીકે 4 વિકેટ ઝડપી હતી.


વોર્નર-સ્મિથે મજબૂત શરૂઆત કરી


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઓપનર ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી. તેણે 93 બોલનો સામનો કરીને 104 રન બનાવ્યા હતા. વોર્નરની આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી. સ્ટીવ સ્મિથે પણ મહત્વની ઇનિંગ રમી હતી. તેણે વોર્નર સાથે મળીને શાનદાર શોટ્સ રમ્યા અને સદીની ભાગીદારી કરી. સ્મિથે 68 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. માર્નસ લાબુશેને 68 રન બનાવ્યા હતા. તેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.


 






ખરાબ શરૂઆત બાદ પણ કાંગારૂ ટીમે મોટો સ્કોર કર્યો


ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આ પછી પણ ખેલાડીઓએ મજબૂત રીતે બેટિંગ કરીને મોટો સ્કોર નોંધાવ્યો. ઓપનર મિશેલ માર્શ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 15 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસ 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.


મેક્સવેલે મચાવ્યો તરખાટ


ગ્લેન મેક્સવેલે અંતે તરખાટ મચાવ્યો હતો. તેણે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. મેક્સવેલે 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન પેટ કમિન્સે અણનમ 12 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા.


નેધરલેન્ડ માટે વેન બીકે 4 વિકેટ ઝડપી હતી


નેધરલેન્ડ તરફથી વાન બીકે 4 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 74 રન આપ્યા હતા. આર્યન દત્તે 7 ઓવરમાં 59 રન આપ્યા અને એક વિકેટ લીધી. બાસ ડી લીડે ખૂબ ખર્ચાળ સાબિત થયો. તેણે 10 ઓવરમાં 115 રન આપ્યા હતા. જોકે 2 વિકેટ પણ લીધી હતી. મેકકેરને 10 ઓવરમાં 64 રન આપ્યા હતા.