Pakistan Cricket Team, ICC Cricket World Cup 2023: 2023નો વનડે વર્લ્ડકપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કંઈ ખાસ જઈ રહ્યો નથી. આ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમને હાર મળતાની સાથે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં સતત ત્રણ મેચ હારી છે. અફઘાનિસ્તાન સામેની હારને કારણે પાકિસ્તાનની ટીમની ચારે બાજુથી ટીકા થઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં નહીં પહોંચે તો કેપ્ટન બાબર આઝમ અને સપોર્ટ સ્ટાફ સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બેઠકમાં આ વાત પર સહમતિ બની છે કે જો પાકિસ્તાન ટીમ સેમીફાઈનલમાં નહીં પહોંચે તો બાબર આઝમ પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિકી આર્થર, ગ્રાન્ટ બ્રેડબર્ન, મોર્ને મર્કલે, એન્ડ્ર્યુ પુટિક અને મેનેજર રેહાન ઉલ હકને પણ વર્લ્ડકપ પછી તેમના પદ છોડવા માટે કહેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 2023 વર્લ્ડકપમાં અત્યાર સુધી પાંચમાંથી માત્ર બે મેચ જીતી છે. ટીમ પૉઈન્ટ ટેબલમાં ચાર પૉઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જો પાકિસ્તાનને અહીંથી સેમીફાઈનલમાં પહોંચવું હોય તો તેણે તેની બાકીની તમામ મેચ જીતવી પડશે. આ ઉપરાંત નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે. પાકિસ્તાને પણ પ્રાર્થના કરવી પડશે કે ચાર ટીમો 14 પૉઈન્ટ સુધી ન પહોંચે.
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, બાબર આઝમ ત્યારે જ કેપ્ટન રહેશે જ્યારે પાકિસ્તાનની ટીમ કોઈ ચમત્કાર કરી શકે અને આ વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી શકે. જોકે તેની પાસેથી હજુ પણ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાબર આઝમને વર્લ્ડકપ માટે પોતાની મનપસંદ ટીમ પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે પણ બાબરને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બાબરે પોતાની પસંદગીના 15 ખેલાડીઓનું ગૃપ પસંદ કર્યું હતું. આવી સ્થિતિમાં જો ટીમ સેમીફાઈનલમાં નહીં જાય તો તેણે કેપ્ટન્સી છોડવી પડશે.
-