ODI World Cup 2023, Australia Team: આઇસીસી ICC વન-ડે વર્લ્ડકપ 2023 5 ઑક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ સાથે શરૂ થશે. આ પહેલા 28મી સપ્ટેમ્બરે તમામ ટીમોને તેમની 15 સભ્યોની ટીમમાં ફેરફાર કરવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયાએ મેગા ઈવેન્ટ માટે જાહેર કરેલી તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં માર્નસ લાબુશેનનો સમાવેશ કર્યો છે જ્યારે સ્પિન ઓલરાઉન્ડર એશ્ટન અગર ઈજાના કારણે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.






વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઓસ્ટ્રેલિયાની અંતિમ 15 સભ્યોની ટીમમાં ટ્રેવિસ હેડનો પણ સમાવેશ કરાયો છે. હેડ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં અન્ય કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. પ્રથમ કેટલીક મેચોમાં પસંદગી માટે હેડ ઉપલબ્ધ રહેશે નહીં જેના કારણે ઓસ્ટ્રેલિયાને 14માંથી 11 ખેલાડીઓને રમવાની તક મળશે. 


જો ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમની વાત કરીએ તો પેટ કમિન્સ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. જ્યારે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડનો મુખ્ય બેટ્સમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર ખેલાડીઓમાં ટીમ પાસે ઘણા વિકલ્પો છે, જેમાં કેમરૂન ગ્રીન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને સીન એબોટના નામ સામેલ છે. બોલિંગમાં કેપ્ટન કમિન્સ ઉપરાંત મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પાને સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં બે વિકેટકીપર એલેક્સ કેરી અને જોશ ઈંગ્લિશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમ


ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ , એડમ જમ્પા.


ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ ભારત સામે રમશે


વન-ડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ મેચ ભારત સામે 8 ઓક્ટોબરે ચેન્નઈના મેદાન પર રમશે. આ પછી ટીમ પોતાની બીજી મેચ 12 ઓક્ટોબરે લખનઉના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે રમશે. 16 ઓક્ટોબરે પણ આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો મુકાબલો શ્રીલંકાની ટીમ સાથે થશે.