Cricket Schedule Olympics 128 વર્ષની રાહ જોયા બાદ ક્રિકેટની રમત ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહી છે. લોસ એન્જલસ ઓલિમ્પિક્સ ૨૦૨૮ (LA2028) ની આયોજક સમિતિએ ક્રિકેટનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ઓલિમ્પિક રમતો ૧૪ જુલાઈથી શરૂ થશે, પરંતુ તેના બે દિવસ પહેલા જ ક્રિકેટ મેચો શરૂ થઈ ગઈ હશે. ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચો T20 ફોર્મેટમાં રમાશે. પુરુષો અને મહિલાઓ માટે ઓલિમ્પિક મેચો ૧૨-૨૯ જુલાઈ દરમિયાન રમાશે. મેડલ માટેની મેચો ૧૯ અને ૨૯ જુલાઈએ રમાશે.

ક્રિકબઝમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ક્રિકેટ શેડ્યૂલને બે સેટમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા સેટની મેચો 12-18 જુલાઈ દરમિયાન રમાશે, તેની મેડલ મેચો 19 જુલાઈએ રમાશે. બીજા સેટની મેચો 22-28 જુલાઈ દરમિયાન રમાશે અને તેની મેડલ મેચો 29 જુલાઈએ રમાશે, જેના એક દિવસ પછી ઓલિમ્પિક ગેમ્સ સમાપ્ત થશે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પુરુષોની ટૂર્નામેન્ટ પહેલા યોજાશે કે મહિલા ટૂર્નામેન્ટ. ક્રિકેટ મેચો સંબંધિત વધુ માહિતી આ વર્ષના છેલ્લા મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આયોજન સમિતિએ પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે પુરુષો અને મહિલાઓની સ્પર્ધાઓમાં કુલ 6 ટીમો ભાગ લેશે. આ માટે, ફેરગ્રાઉન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જે લોસ એન્જલસથી 48 કિલોમીટર દૂર છે.

ઓલિમ્પિક ગેમ્સ માટે ક્રિકેટ ટીમો કેવી રીતે ક્વોલિફાય થશે તે હજુ સ્પષ્ટ નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 17-20 જુલાઈ દરમિયાન સિંગાપોરમાં તેનું વાર્ષિક કોન્ફરન્સ યોજવાનું છે, જ્યાં ક્વોલિફિકેશન પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ટીમો રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ વિશે અટકળોએ પણ જોર પકડ્યું છે. જો ક્વોલિફાયિંગ ટુર્નામેન્ટ યોજાય છે, તો કેટલાક એસોસિએટ દેશો પણ તેમાં ભાગ લઈ શકે છે.