India Vs Pakistan Asia Cup 2023 Match, Date, Venue: એશિયા કપ 2023 સીઝન આવતીકાલે (30 ઓગસ્ટ) પાકિસ્તાનના મુલતાનમાં શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલના આધારે વન-ડે ફોર્મેટમાં રમાઈ રહી છે.


 એશિયા કપની યજમાન ટીમ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમશે, જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. આવી સ્થિતિમાં તેની શરૂઆત ચોક્કસપણે પાકિસ્તાનમાં થશે, પરંતુ ભારતીય ટીમ શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.


 કેટલા વાગ્યે શરૂ થશે પાકિસ્તાન અને નેપાળની મેચ


એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ટીવી પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પાકિસ્તાન-નેપાળ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર થશે. યુઝર્સ આ મેચ મોબાઈલ પર ફ્રીમાં જોઈ શકશે.


એશિયા કપમાં ભારતનો રહ્યો છે દબદબો


આ વખતે જો ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટાઈટલ જીતશે તો 4 વર્ષ બાદ ટીમ એશિયા કપ જીતશે. એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. ટીમે છેલ્લું ટાઇટલ 2018માં જીત્યું હતું.


અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન રમાઇ છે જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું છે.


વન-ડે  એશિયા કપમાં ભારતીય ટીમનો શાનદાર રેકોર્ડ


આ વખતે એશિયા કપમાં ભારતીય ટીમની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે. આ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. એશિયા કપમાં ભારતીય ટીમ જ્યાં પણ રમે તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે પાકિસ્તાન સામે તેનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. એશિયા કપ (ODI ફોર્મેટ)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 13  વન-ડે મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વખત જીત મેળવી છે. પાકિસ્તાન 5 વખત જીત્યું છે.


ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે, જે 2 સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.