PAK Vs NZ: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના આ પગલા બાદ રાવલપિંડી મેદાન પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ જોવા મળી હતી. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાવલપિંડી મેદાનમાં જ ત્રણ વનડે અને પાંચ ટી 20 મેચની શ્રેણી રમાવાની હતી.


પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે શુક્રવારે યોજાવાની હતી. પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ બંને ટીમોને હોટલમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ સિવાય મેદાન પર કોઈ દર્શકો પણ જોવા મળ્યા ન હતા. દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો મેદાનનું નિરીક્ષણ કરતો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આ પછી ક્રિકેટ ન્યૂઝીલેન્ડે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાન પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમને માહિતી મળી છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી. અમે અમારી સુરક્ષા ટીમની સલાહ પર પાકિસ્તાન પ્રવાસ રદ કરી રહ્યા છીએ. અમારા તમામ ખેલાડીઓ ખાસ પ્લેન દ્વારા પાકિસ્તાનથી પરત ફરશે.


સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ થયો


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પુષ્ટિ કરી હતી કે ન્યુઝીલેન્ડે સુરક્ષા કારણોસર પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડના પીએમે પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે પ્રવાસ રદ કરવાના નિર્ણયને સમર્થન આપી રહી છે કારણ કે ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ જોખમ ન લઈ શકાય.




ક્રિકેટ ન્યૂઝીલેન્ડે તેના નિવેદનમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે પ્રવાસ રદ થવો પાકિસ્તાન ક્રિકેટ માટે આંચકો છે. પરંતુ અમારા માટે ખેલાડીઓની સલામતી કરતાં મોટી પ્રાથમિકતા બીજી કંઈ જ નથી. આપણે આપણી જવાબદારી નિભાવવાની છે. બંને દેશોએ સહમતિથી શ્રેણી રદ કરવાનો નિર્ણય કર્યો છે.


તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને મેનેજમેન્ટ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના આ પગલાથી ખૂબ જ ગુસ્સે છે. ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડ પણ પાકિસ્તાન પ્રવાસ રદ કરી શકે છે.