દુબઇઃ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનના શાનદાર વિજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમના ખેલાડીઓને જીતના ઉન્માદમાં ના આવવાની સલાહ આપી હતી. બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં પોતાના ખેલાડીઓને જે સલાહો આપી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો.
ભારત સામેની જીત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં આવીને એક સ્પીચ આપી કેટલીક સલાહો અને સૂચનો કર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.પાકિસ્તાનની ટીમના વચગાળાના કોચ સકલૈન મુશ્તાક પોતાની ટીમને કહી રહ્યા છે કે તે જીતના ઉન્માદમાં ડૂબી ના જાય. પહેલા તો ભારતને હરાવનારી પ્લેઇંગ ઇલેવન અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો. બાદમાં કહ્યું કે જે થઇ ગયું તેને ભૂલી જાવ. આપણે હવે એ કરવાનું છે જે રહી ગયું છે. અન્ય ટીમો આપણે આ વિચાર સાથે આપણા વિરુદ્ધ પ્લાનિંગ કરશે અને આપણે એ માટે તૈયાર રહેવું પડશે.
વીડિયોમાં જોઇ શકાય છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં આવે છે. ત્યારે ખેલાડીઓ તેનું તાળીઓ પાડી સ્વાગત કરે છે. બાદમાં આઝમ હિંદીમાં બોલવાનું શરૂ કરે છે. બાબર આઝમે ખેલાડીઓને કહી રહ્યો છે કે આ કોઇ એકલાના પરફોર્મન્સની જીત નથી પરંતુ આ આખી ટીમની જીત છે આ ચીજ છોડવાની નથી.
આઝમે કહ્યું કે આ એક શરૂઆત છે. એન્જોય કરો પરંતુ ઓવર એક્સાઇટેડ ના થાવ, હજુ આપણે અનેક મેચ રમવાની છે, આ જતું રહ્યુ, આપણે આગળ ધ્યાન આપવાનું છે, પણ આપણા તમામનું ધ્યાન વર્લ્ડકપ હોવું જોઇએ. વર્લ્ડકપ જીત્યા બાદ બધા એન્જોય કરીશું, આપણે સાથી મળી કરીશું.
બાબર આઝમે કહ્યું કે કોઇ પણ સમયમાં આપણે રિલેક્સ થવાનું નથી. બાબર આઝમ વારંવાર કહી રહ્યા છે કે એન્જોય કરવાનું છે પરંતુ ઓવરએક્સાઇટેડ થવાનું નથી. તમામ લોકો પોતાનું 100 ટકા આપીશું. વેરી વેલ ડન. બાદમાં તમામ ખેલાડીઓ બાબર આઝમની સ્પીચ ખત્મ થયા બાદ ખુશી વ્યક્ત કરે છે. ડ્રેસિંગ રૂમનો આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.