Ind vs Pak, World Cup 2023: આઇસીસીનો વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, આજે ભારતીય ટીમ પોતાની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમી રહી છે, અને આગામી ત્રીજી મેચ પાકિસ્તાન સામે રમાવવાની છે, આ મેચ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ, જે દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે, તે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની છે, આ મેચ માટે આજે પાકિસ્તાની ટીમ અમદાવાદ આવી પહોંચી ચૂકી છે, આજે બપોરે બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન એરપોર્ટ પર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 14 ઓક્ટોબરે બપોરે વર્લ્ડકપ મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને સમગ્ર અમદાવાદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ છવાણીમાં ફેરવવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, પાકિસ્તાની ટીમે 11 વર્ષ બાદ ભારતમાં આવી છે અને 11 વર્ષ બાદ પહેલીવાર ભારતીય ટીમ સામે ભારતમાં મેચ રમશે. ભારતમાં રમાઇ રહેલો આ વર્લ્ડકપ આગળ જતાં વધુ રોમાંચક બની રહેશે.
અમદાવાદમાં અહીં રોકાશે પાકિસ્તાનની ટીમ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન આતંકવાદી હુમલાના ખતરાથી ગુજરાત પોલીસે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસે ખાતરી આપી છે કે સુરક્ષાને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં વીવીઆઈપી મુવમેન્ટ સાથે 5 ડઝનથી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ આવવાની શક્યતાને કારણે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચો શરૂ થઈ ગઈ છે, અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરાડિયાએ જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટના મેદાનમાં કટ્ટર હરીફ ટીમો સામસામે હોવાથી વિશાળ ભીડ એકત્ર થવાની ધારણા છે.
આ દરમિયાન મેચ માટે આવનાર પાકિસ્તાની ટીમ શહેરના આશ્રમ રોડ પર આવેલ હયાત હોટલમાં રોકાશે. હયાત હોટલમાં 11 ઓક્ટોબરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. એટલું જ નહીં પાકિસ્તાનની ટીમને અલગથી એસ્કોર્ટ આપવામાં આવશે. મેચ રસાક્સીથી ભરપૂર હોવાથી પાકિસ્તાનની ટીમને સ્ટેડિયમ નજીક રોકાણ આપવામાં આવશે. વાડજ, રાણીપ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોટલની સુરક્ષા કરશે. ત્રણ દિવસ સુધી અન્ય મુલાકાતીઓને હોટલમાં રૂમ ફાળવવામાં નહીં આવે. માત્ર પાકિસ્તાનની ટીમ અને ટીમ સ્ટાફ માટે જ હોટલ બુક રહેશે.
મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં ગુજરાત પોલીસ, નેશનલ સિક્યુરિટી ગ્રૂપ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF) અને હોમગાર્ડ્સ સહિત વિવિધ એજન્સીઓના 11,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે જો કે છેલ્લા 20 વર્ષમાં અમદાવાદમાં ક્રિકેટ મેચો દરમિયાન કોઈ સાંપ્રદાયિક હિંસા જોવા મળી નથી, પરંતુ સાવચેતીના ભાગ રૂપે, ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. આ પહેલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકપની મેચ કોઈપણ અનિયમિતતા વગર યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, જી.એસ.ને ગાંધીનગરમાં મળ્યા હતા. મલિક અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.