ઇસ્લામાબાદઃ કોરોના કાળમાં હવે ક્રિકેટરો પણ કોરોના પૉઝિટીવ થવા લાગ્યા છે. એકબાજુ ક્રિકેટમાં વાપસી તો બીજીબાજુ ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતાનો વિષય બન્યો છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર હેરિસ રઉફ ફરી એકવાર કોરોના પૉઝિટીવ નીકળ્યો છે.


જાણકારી અનુસાર, હેરિસ રઉફ ચોથીવાર કોરોના પૉઝિટીવ થયો છે. હેરિસને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તરતજ આઇસૉલેશનમાં મોકલી દીધો છે. કહેવાઇ રહ્યું છે કે 10 દિવસના ઇલાજ બાદ હેરિસ રઉફનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હવે હેરિસને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ રમવી લગભગ અસંભવ છે. હેરિસ ચોથી વાર કોરોના પૉઝિટીવ થતા ટીમના સાથી ખેલાડીઓ ડરી ગયા છે, અને હાલ તેને ટીમમાંથી બહાર કરાયો છે.

હેરિસ રઉફનો લાહોરમાં કોરોના ટેસ્ટ થયો હતો, ત્યારબાદ રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેને તરતજ લાહોરથી ઇસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યો છે.હવે હેરિસ આગામી 10 દિવસ સુધી આઇસૉલેશનમાં રહેશે. બાદમાં તેનો ફરીથી કોરોના ટેસ્ટ થશે. ખાસ વાત છે કે આ પહેલા પણ હેરિસ ત્રણ વાર કોરોના પૉઝિટીવ થઇ ચૂક્યો છે.



તે દરમિયાન તેનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જોકે, તે ઇંગ્લેન્ડ રવાના ન હતો થયો. માનવામાં આવતુ હતુ કે તે હવે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી શકશે, પણ ચોથી વાર પૉઝિટીવ આવ્યા બાદ હવે ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટી20 સીરીઝ રમવી તેના માટે અસંભવ છે.

નોંધનીય છે કે આ વખતે રમાયેલી બિગ બેશ લીગમાં હેરિસ રઉફએ સનસની મચાવી દીધી હતી. તેને લીગમાં પોતાની બૉલિંગમાં સ્પીડ અને સ્વિંગથી બધાનો ચોંકાવી દીધા હતા.