Pakistan Cricketers on Team India's Defeat: વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચના પરિણામની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં આ અંગે વધુ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો આ મેચમાં ભારતની હારના કારણો પોતપોતાના દ્રષ્ટિકોણથી ગણાવી રહ્યા છે. તેમાં દિગ્ગજ ખેલાડી વસીમ અકરમથી લઈને શોએબ અખ્તર સુધીના નામ સામેલ છે. જાણો ભારતની હાર પર શું કહી રહ્યાં છે પાકિસ્તાની ક્રિકેટરો.... 


વસીમ અકરમે પેટ કમિન્સની કરી પ્રસંશા 
વિશ્વના મહાન ઝડપી બૉલરોમાં જેની ગણતરી થાય છે તે વસીમ અકરમે આ જીતનો સૌથી વધુ શ્રેય પેટ કમિન્સને આપ્યો હતો. તેણે કહ્યું, 'મેં અગાઉ પણ કહ્યું હતું કે પેટ કમિન્સે ટેસ્ટ કેપ્ટનશિપમાં પોતાને સાબિત કર્યું છે અને તે વન-ડેમાં પણ આવું જ કરશે. તેણે ફાઇનલમાં પોતાની લીડ સંપૂર્ણપણે જાળવી રાખી હતી. બોલિંગમાં તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે કેપ્ટનશિપમાં પણ શાનદાર રહ્યો. કયા બોલરને ક્યારે લાવવો એમાં તેણે ખૂબ જ સમજદારી બતાવી. 


વસીમે ફાઈનલ મેચમાં ટૉસ અને પીચની પ્રકૃતિને પણ એક મહત્વપૂર્ણ પરિબળ માન્યું હતું. તેણે કહ્યું, 'બંને ટીમ સારી હતી પરંતુ ક્રિકેટમાં ટૉસ મહત્વનો મામલો છે. ઓસ્ટ્રેલિયામાં બોલ રાત્રે સ્વિંગ થવા લાગે છે, જ્યારે આપણા દેશમાં (ભારત-પાકિસ્તાન) રાત્રે ઝાકળને કારણે બેટિંગ આસાન બની જાય છે. આ ચોક્કસપણે પરિણામોમાં તફાવત બનાવે છે.


મિસ્બાહ બોલ્યો- ઓસ્ટ્રેલિયાએ પીચને સારી રીતે જાણી... 
પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન મિસ્બાહ-ઉલ-હકનું કહેવું છે કે, 'ઓસ્ટ્રેલિયન ટીમને આ જીતનો શ્રેય આપવો જોઈએ કે તેઓ પીચના સ્વભાવને ભારત કરતા વધુ સારી રીતે સમજી શક્યા. કદાચ ઓસ્ટ્રેલિયાએ વિચાર્યું કે જો તેઓ પ્રથમ બોલિંગ કરશે તો તેમને રિવર્સ સ્વિંગ મળી શકે છે. જો બોલ જૂનો હશે તો સ્કોર બનાવવો આસાન નહીં હોય. જો બીજી ઈનિંગમાં ઝાકળ પડે તો ભારતના સ્પિનરો બહુ પ્રભાવશાળી નહીં રહે. આવી સ્થિતિમાં તેનો શ્રેય પેટ કમિન્સને જાય છે કારણ કે તેણે યોગ્ય નિર્ણય લીધો હતો.


રમીઝ રાજાએ વિરાટ અને રાહુલની ધીમી ભાગીદારીને બતાવ્યુ હારનું કારણ 
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને PCB અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું, 'રોહિત શર્માના ખરાબ શોટ બાદ ભારતીય દાવ ખોરવાઈ ગયો અને મોટો સ્કોર ન બનાવી શક્યો. આ 240 સ્કૉરની પીચ નહોતી. અહીં 300 રન હોવા જોઈએ. ભારતે ઓછામાં ઓછા 270 અથવા 280 સુધી પહોંચવું જોઈએ. કેએલ રાહુલ ઝડપી રન બનાવી શક્યો નહોતો. ભારતની શરૂઆત સારી રહી હતી. રોહિતનો દબદબો હતો પરંતુ તેના ગયા પછી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ઘીમી બેટિંગ કરી અને ધીમી ભાગીદારી કરી હતી, લાબુશેન અને હેડ વચ્ચે પણ ભાગીદારી સારી રહી હતી, પરંતુ તેમની રન બનાવવાની ઝડપ વધુ સારી હતી.


શોએબ અખ્તરે કહ્યું - પીચ ખરાબ હતી 
વિશ્વના સૌથી ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું, 'વિકેટ જોઈને હું ખૂબ જ દુખી થયો હતો. ભારતે અહીં સારી પીચ બનાવવી જોઈતી હતી. પીચ ઝડપી અને ઉછાળવાળી હોવી જોઈએ. મેચ લાલ માટીની પીચ પર રમવી જોઈતી હતી. ભારતીય ટીમ નસીબની મદદથી નહીં પણ ખૂબ જ સારું રમીને ફાઇનલમાં પહોંચી હતી. તેને ફાઇનલમાં સારી પીચ મળવી જોઈતી હતી.


મોઇન ખાને ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ અને રણનીતિની કરી પ્રસંશા 
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર મોઈન ખાને કહ્યું, 'ભારત તરફથી કાઉન્ટર એટેક બિલકુલ જોવા મળ્યો ન હતો. રોહિતના આઉટ થયા બાદ ભારતીય ખેલાડીઓ થંભી ગયા હતા. કોઈએ એટેક કરવાની હિંમત ન દાખવી. તેનું કારણ ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ, શાનદાર ફિલ્ડ સેટિંગ અને શાનદાર ફિલ્ડિંગ હતી. ફિલ્ડિંગે એવું દબાણ ઊભું કર્યું કે ભારતીય બેટ્સમેનો બોલને હિટ થતા અટકાવીને પણ રમવા લાગ્યા. પેટ કમિન્સે તેના બોલરોને શાનદાર રીતે ઇનિંગમાં બદલ્યા હતાં.