PAK vs BAN T20 Squad 2025:  બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે યોજાનારી સીરિઝ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીની પસંદગી કરવામાં આવી નથી. પાકિસ્તાને બુધવાર, 21 મેના રોજ શ્રેણી માટે ટી-20 ટીમની જાહેરાત કરી હતી. આ ત્રણ દિગ્ગજોને બાકાત રાખવાનું કારણ પણ સામે આવ્યું છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર 3 મેચની ટી-20 સીરિઝ રમશે. તે 27 મેથી શરૂ થશે, જ્યારે પહેલા તે 25 મેથી શરૂ થવાનું હતું. પીએસએલ  મુલતવી રાખવાથી આ સીરિઝ પર પણ અસર પડી હતી. પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકે માઈક હસનની આ પ્રથમ સીરિઝ હશે. પીસીબીએ 16 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી, જેનું નેતૃત્વ સલમાન અલી આગાને સોંપવામાં આવ્યું છે. શાદાબ ખાન વાઇસ કેપ્ટન છે. બાબર, રિઝવાન અને આફ્રિદી જેવા મોટા ખેલાડીઓ આ ટીમનો ભાગ નથી.

શું બાબર આઝમની ટી-20 કારકિર્દી ખતમ થઈ ગઈ છે?

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને આફ્રિદીને પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાને તે શ્રેણી પણ ખરાબ રીતે હારી ગયું હતું. મુખ્ય કોચ બન્યા પછી હસન ઇચ્છતા હતા કે બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝમા બાબર આઝમને સામેલ કરવામાં આવે જ્યારે પસંદગીકારો તેની વિરુદ્ધ હતા. હવે સતત બીજી વખત ટી-20 શ્રેણીમાંથી બાકાત રાખ્યા બાદ એવું માનવામાં આવે છે કે PCB આ ત્રણેયને ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટ માટે યોગ્ય માનતું નથી.

બાબર આઝમ, રિઝવાન અને શાહીન આફ્રિદી કેમ આઉટ થયા?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝની ટીમ PSL 10માં પ્રદર્શનના આધારે પસંદ કરવામાં આવી છે. PSL 2025માં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં બાબરે 288 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. રિઝવાને 10 મેચમાં 367 રન બનાવ્યા છે, જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. શાહીન શાહ આફ્રિદીએ 10 મેચમાં 11 વિકેટ લીધી છે.

પાકિસ્તાન ટી20 ટીમ

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, મોહમ્મદ હેરિસ, ખુશદિલ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર, મોહમ્મદ ઈરફાન ખાન, સૈમ અયુબ, નસીમ શાહ, શાહિબઝાદા ફરહાન.

પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ ટી-20 સીરિઝનો કાર્યક્રમ

27, મે (મંગળવાર) - ગદ્દાફી સ્ટેડિયમ (રાત્રે 8 વાગ્યાથી)

29, મે (ગુરુવાર) - ગદ્દાફી સ્ટેડિયમ (રાત્રે 8 વાગ્યાથી)

31, મે (શનિવાર) - ગદ્દાફી સ્ટેડિયમ (રાત્રે 8 વાગ્યાથી)