Pakistan Squad T20 World Cup 2024: આગામી મહિને પણ દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં જોશ યથાવત રહેવાનો છે, કેમકે આઇસીસી ટી20 મેન્સ વર્લ્ડકપ 2024ની શરૂઆત થઇ રહી છે. આ વર્લ્ડકપ માટે હવે પાકિસ્તાન તરફથી નવું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ ટીમના સુકાની હશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી લિમીટેડ ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. પીસીબીએ મોહમ્મદ રિઝવાન અને હેરિસ રઉફની ફિટનેસને લઈને ચિંતિત વલણ અપનાવ્યું હતું, પરંતુ સારા સમાચાર એ છે કે બંને ખેલાડીઓ ફિટ છે અને વર્લ્ડકપમાં રમતા જોવા મળશે. પાકિસ્તાની ટીમમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનું નામ દેખાતું નથી. મોહમ્મદ આમિર 2016 પછી પહેલીવાર પાકિસ્તાનની વર્લ્ડકપ ટીમનો ભાગ બનશે.


હેરિસ રાઉફની ફિટનેસ પર ચિંતા 
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાસ્ટ બોલર હેરિસ રૌફ સંપૂર્ણ રીતે ફિટ છે અને નેટ્સમાં ઘણી મહેનત કરી રહ્યો છે. રઉફ છેલ્લે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની તાજેતરની સીરીઝમાં પસંદગી ના થયા બાદ તેની વર્લ્ડકપ ટીમમાં પસંદગીને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. પીસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે રઉફ વર્લ્ડકપની મેચોમાં રમીને ચોક્કસપણે પાકિસ્તાન ટીમનો સૌથી ઘાતક બોલર સાબિત થશે.


મોહમ્મદ આમિરની વાપસી 
મોહમ્મદ આમિર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ પર સ્પોટ ફિક્સિંગના આરોપોને કારણે ICC દ્વારા ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2015માં ત્રણેય ખેલાડીઓ પરનો પ્રતિબંધ સમય પહેલા હટાવી લેવામાં આવ્યો હતો. તે 2016માં પાકિસ્તાની ટીમમાં પાછો ફર્યો હતો અને અંતે તેણે 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ T20 વર્લ્ડકપ 2024ના થોડા અઠવાડિયા પહેલા જ તેણે નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી હતી. તેના સિવાય ઇમાદ વસીમ પણ નિવૃત્તિમાંથી પરત ફરી રહ્યો છે, જેણે 2023માં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.


T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાની ટીમઃ - 
બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હેરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અમીર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી , ઉસ્માન ખાન.