Pakistan vs England Test Series: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. 7મી ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ સિરીઝ માત્ર પાકિસ્તાનમાં જ રમવાની છે. પરંતુ હવે આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝનું સ્થળ બદલાઈ શકે છે. આ ટેસ્ટ સીરીઝ UAE અથવા શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનના ઘણા સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે.


વાસ્તવમાં પાકિસ્તાનના કરાચી અને રાવલપિંડીના સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સ્ટેડિયમોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગી શકે છે. ન્યૂઝ18ના એક સમાચાર અનુસાર, આ કારણોસર પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સીરીઝને UAE અથવા શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. જેમાં તેને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે શ્રેણી 2-0થી જીતી લીધી હતી. 


આ છે પાકિસ્તાન-ઈંગ્લેન્ડનું શિડ્યુલ-         


પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 7 ઓક્ટોબરથી મુલતાનમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 15 ઓક્ટોબરથી કરાચીમાં રમાશે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 24 ઓક્ટોબરથી રાવલપિંડીમાં રમાશે. જો રાવલપિંડી અને કરાચીના સ્ટેડિયમ સમયસર તૈયાર ન થાય તો આ શ્રેણી અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે.


પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરી રહ્યું છે.        


પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે ઘણો ખર્ચ કર્યો છે. તેને ICC તરફથી ફંડિંગ મળ્યું છે. પરંતુ ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. જો કે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની શક્યતા ઘણી ઓછી છે.         


ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે હજુ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારતીય ટીમે આ નિર્ણય સરકાર પર છોડી દીધો છે. હવે આઇસીસીના નવા અધ્યક્ષ જય શાહ બની ગયા છે જેને પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. મળતી માહિતી અનુસાર ભારતની તમામ મેચોને અન્ય દેશોમાં કરવામાં આવે તેવી માંગ છે.