એશિયા કપની 10મી મેચ દુબઈમાં પાકિસ્તાન અને યજમાન યુએઈ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને યુએઈને 41 રનથી હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કર્યું હતું. રવિવારે ભારત સાથે પાકિસ્તાનની ટક્કર નક્કી થઈ ગઈ છે. ટોસ જીતીને યુએઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ફખર ઝમાનની ફિફ્ટી અને શાહીન આફ્રિદીની વિસ્ફોટક બેટિંગને કારણે યુએઈને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં યુએઈ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

નોંધનીય છે કે આ મેચ નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી કારણ કે પાકિસ્તાની ટીમે સાંજે 6 વાગ્યે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પાકિસ્તાની ટીમ પાછળથી મેચ માટે પહોંચી હતી. ભારત અને પાકિસ્તાન ટીમો આ ગ્રુપમાંથી ક્વોલિફાય થઈ હતી, જ્યારે યુએઈ અને ઓમાન બહાર થઈ ગયા હતા. ભારત-પાકિસ્તાન મેચ 21 સપ્ટેમ્બરે યોજાશે.

147 રનના જવાબમાં યુએઈએ સારી શરૂઆત કરી હતી. વસીમ અને શરાફુએ કેટલાક સારા શોટ રમ્યા. જોકે, ટીમને ત્રીજા ઓવરમાં શરાફુના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ કેપ્ટન વસીમ સસ્તામાં આઉટ થયો હતો. ઝોહૈબ પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, તેણે 4 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ચોપરાએ 35 રન બનાવીને ઇનિંગને સ્થિરતા આપી હતી. ધ્રુવે તેને સાથ આપ્યો. જોકે, બંને વિકેટ ગુમાવ્યા બાદ UAEની હાર નક્કી થઈ ગઈ હતી. આ હાર સાથે UAEનું એશિયા કપ અભિયાન પણ સમાપ્ત થયું હતું.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. સેમ અયુબ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. અયુબ પણ ભારત સામે સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ પાકિસ્તાને ત્રીજી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. ફખર ઝમાને અડધી સદી ફટકારી હતી.  જોકે, પાકિસ્તાનનો રન રેટ ધીમો રહ્યો. પરંતુ છેલ્લી ઓવરમાં શાહીન શાહ આફ્રિદીએ આક્રમક બેટિંગ કરી અને 14 બોલમાં 29 રન બનાવ્યા, જેના કારણે પાકિસ્તાને 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા.