Abrar Ahmed thanks Virat: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માંથી પાકિસ્તાનની ટીમ બહાર થયા બાદ, પાકિસ્તાની બોલર અબરાર અહેમદે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલી વિશે એક ખાસ પોસ્ટ કરી છે. શુભમન ગીલને આઉટ કર્યા બાદ વિવાદાસ્પદ ઉજવણીને કારણે ટીકાનો સામનો કરી રહેલા અબરાર અહેમદે વિરાટ કોહલીના વખાણ કરીને સૌને ચોંકાવી દીધા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ અબરાર અહેમદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. પરંતુ તેનું કારણ તેની બોલિંગ નહીં, પરંતુ શુભમન ગિલને આઉટ કર્યા પછીની તેની ઉજવણી હતી, જે ઘણા લોકોને અભદ્ર લાગી હતી. પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ તેની આ ઉજવણીની ટીકા કરી હતી. જો કે, આ બધા વિવાદો વચ્ચે અબરાર અહેમદે વિરાટ કોહલી માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે વિરાટ કોહલીનો આભાર માન્યો છે અને તેમને પોતાના બાળપણના હીરો ગણાવ્યા છે.

અબરાર અહેમદે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક કોલાજ ફોટો શેર કર્યો છે. આ કોલાજમાં ભારત અને પાકિસ્તાન મેચની કેટલીક તસવીરો છે, જેમાં અબરાર અહેમદ અને વિરાટ કોહલી મેદાન પર સાથે જોવા મળે છે. એક ફોટોમાં વિરાટ કોહલી અબરાર અહેમદની પીઠ થપથપાવીને તેની બોલિંગના વખાણ કરતો જોવા મળે છે. વિરાટ કોહલીના આ વર્તનથી અબરાર અહેમદ ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અબરાર અહેમદે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, "મારા બાળપણના હીરો વિરાટ કોહલીએ મારી બોલિંગના વખાણ કર્યા, એ માટે હું તેમનો આભારી છું. એક ક્રિકેટર તરીકેની તેમની મહાનતા તેમની નમ્રતા સાથે મેળ ખાય છે. મેદાન પર હોય કે બહાર, કોહલી સાચા અર્થમાં પ્રેરણારૂપ છે." અબરારની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંતર્ગત 23 ફેબ્રુઆરીએ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી કારમી હાર આપી હતી. આ હારને કારણે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. બીજી તરફ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમીફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ અને ગ્રુપ B માંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલમાં ટકરાશે. હવે ક્રિકેટ ચાહકો સેમીફાઇનલ મેચોની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: સેમિફાઇનલમાં ત્રણ ટીમ પાક્કી, ચોથા સ્થાન માટે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર