કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉમર ગુલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ઉમર ગુલે પોકિસ્તાન તરફથી છેલ્લી વનડે ઈન્ટરનેશનલ મેચ 2016માં રમી હતી. શનિવારે રાષ્ટ્રીય ટી20 કપ બાદ તેણે નિવૃતિની જાહેરાત કરી હતી. તે રાષ્ટ્રીય ટી20 કપમાં બલુચિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. તેમની ટીમ શુક્રવારે સર્દન પંજાબ સામે હારી જતા સેમીફાઈનલની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.


36 વર્ષીય ઉમર ગુલે ટ્વિટ કરી કે, “ભારે હ્રદયથી અને ઘણુ સમજ્યા વિચાર્યા બાદ મે રાષ્ટ્રીય ટી20 કપ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ” તેમણે કહ્યું, હું હંમેશા દેશ માટે પૂરા જૂસ્સા અને જજ્બા સાથે રમ્યો. ક્રિકેટ હંમેશા મારો પહેલો પ્રેમ રહેશે પરંતુ દરેક સારી વસ્તુંનો છેવટે અંત થાય છે.

પેશાવરમાં જન્મેલા ઉમર ગુલે 2003માં વનડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2013માં રમી હતી. ગુલે પોતાના ટેસ્ટ કેરિયરમાં 47 મેચમાં 34.06ની એવરેજથી 163 લીધી જ્યારે 130 વનડેમાં 179 વિકેટ અને 60 ટી20 આંતરાષ્ટ્રીય મેચમાં 85 વિકેટ લીધી છે.