મુંબઇઃ  ભારતના ક્રિકેટર પૉલ વોલ્થટીએ 39 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પૉલ વોલ્થટીએ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યું નહોતું પરંતુ આઇપીએલમાં પૉલ વોલ્થટીએ ધોનીની ટીમ સીએસકે સામે શાનદાર સદી ફટકારી ચર્ચામાં આવ્યો હતો. પૉલ વોલ્થટીએ વર્ષ 2009માં IPLમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. 2011માં આઇપીએલમાં પૉલ વોલ્થટીએ પંજાબ માટે સૌથી વધુ રન બનાવી ચર્ચા જગાવી હતી.


પૉલ વોલ્થટીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને તેની નિવૃત્તિ અંગે જાણ કરી હતી. નિવૃત્તિ અંગે તેણે કહ્યું હતું કે હું BCCI અને MCAનો મારી કારકિર્દીમાં ઈન્ડિયા બ્લુ, ઈન્ડિયા અંડર-19 અને મુંબઈ સિનિયર ટીમમાં ચેલેન્જર ટ્રોફીમાં તક આપવા બદલ આભાર માનું છું, જેમણે મને અને મારા જેવા ઘણા ક્રિકેટરોને સપોર્ટ કર્યો છે.


ઈન્ડિયન પ્રીમિયર લીગની 2011ની સીઝનમાં આ ખેલાડીએ એવી આક્રમક બેટિંગ કરી હતી કે તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર માનવામાં આવવા લાગ્યો હતો. તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યો હતો. આ પ્રતિભાશાળી ખેલાડીની કારકિર્દી લાંબી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ તે ટૂંક સમયમાં ગુમ થઇ ગયો હતો.


પૉલ વોલ્થટીએ તેના કરિયરમાં માત્ર પાંચ ફર્સ્ટ ક્લાસ અને 34 ટી-20 મેચ રમી છે. આઇપીએલ 2011માં પૉલ વોલ્થટી મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 52 બોલમાં સદી અને 63 બોલમાં 120 રન બનાવ્યા બાદ રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ બેટ્સમેને તે સીઝનમાં 14 મેચમાં 463 રન બનાવ્યા હતા.


આવું રહ્યું પૉલ વોલ્થટીનું કરિયર


IPLની 23 મેચોમાં 505 રન બનાવનાર અને 7 વિકેટ લેનાર પૉલ વોલ્થટી હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 120 રન, 4 લિસ્ટ-એ મેચમાં 74 રન અને 34 ટી-20 મેચમાં 778 રન બનાવ્યા છે. લાંબા સમયથી તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. 


આંખની ઈજાના કારણે કરિયર બરબાદ થયું


પૉલ વોલ્થટીની ક્રિકેટ કારકિર્દી પર તેની આંખની ઈજાને કારણે અસર થઈ હતી. વાસ્તવમાં તે પાર્થિવ પટેલ અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ સાથે 2002માં અંડર-19 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન તેની આંખમાં ઈજા થઈ હતી અને ત્યાર બાદ તે લગભગ ચાર વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.