Asia Cup 2023 : એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ-A મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રીલંકાના કોલંબોમાં સતત ભારે વરસાદને કારણે સુપર-4 મેચ પણ રદ થવાનો ભય છે. આવી સ્થિતિમાં જ્યાં મેચોને દામ્બુલામાં શિફ્ટ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહને ટૂર્નામેન્ટની બાકીની મેચો પાકિસ્તાનમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી છે.
પાકિસ્તાની અખબાર ડૉન ન્યૂઝના સમાચાર અનુસાર, PCB મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફે ACC પ્રમુખ જય શાહને શ્રીલંકામાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને એશિયા કપ 2023ની બાકીની મેચો પાકિસ્તાનમાં શિફ્ટ કરવાનું સૂચન કર્યું છે. નોંધનીય છે કે 9 સપ્ટેમ્બરથી મેચ કોલંબોમાં રમાશે અને ત્યારબાદ ફાઈનલ પણ ત્યાં જ રમાશે.
કેન્ડીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જ્યાં ભારતીય ટીમની ઈનિંગ્સ બાદ વરસાદના કારણે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં કોલંબોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે વરસાદના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારત-નેપાળ મેચમાં વરસાદનો ખતરો
ભારતીય ટીમ એશિયા કપ 2023માં તેના ગ્રુપની છેલ્લી મેચ નેપાળ સામે 4 સપ્ટેમ્બરે કેન્ડીના મેદાન પર જ રમવાની છે. આ મેચ દરમિયાન વરસાદની પણ સંભાવના છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની સતત બીજી મેચ પણ રદ્દ થઈ શકે છે. અહેવાલો અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ કોલંબોમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને એશિયા કપની મેચોને દામ્બુલા અથવા કેન્ડીમાં શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.
કેન્ડીનું હવામાન કેવું રહેશે?
કેન્ડીમાં 4 સપ્ટેમ્બરે હવામાન સારું રહેવાના કોઈ સંકેત દેખાતા નથી. Weather.com ના અહેવાલ મુજબ, સવારે વરસાદની 80 ટકા શક્યતા છે. જો કે, જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદ ઓછો પડવાની શક્યતાઓ છે. પરંતુ સાંજે ફરી એકવાર વધુ વરસાદની પણ સંભાવના છે.
આવી સ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે રમાનારી મેચમાં વરસાદ દખલ કરી શકે છે. તે જ સમયે, દિવસ દરમિયાન તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ ઉપરાંત પવન પણ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને ભેજનું પ્રમાણ 80 ટકા સુધી રહી શકે છે.