નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટેસ્ટ આજે ગાબા મેદાનમાં ખતમ થઇ, ભારતે આ ટેસ્ટમાં જબરદસ્ત રમતનુ પ્રદર્શન કરતા ત્રણ વિકેટથી જીત મેળવી લીધી. આ સાથે જ ભારતે સીરીઝ 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ફરી એકવાર પોતાના નામ કરી લીધી. ભારતની આ જીતથી દેશવાસીઓની સાથે સાથે પીએમ મોદી પણ ખુશ થઇ ગયા છે.


300થી વધુ રનનો ભારતે આસાનીથી ચેઝ કરતાં જ ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે પીએમે ભારતીય ટીમને અભિનંદન પાઠવતુ ટ્વીટ કર્યુ.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ- આપણે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર બહુજ ખુશ છીએ, તેમની ઉર્જા અને ઝનૂન આખી રમત દરમિયાન દેખાતુ હતુ. ઉમદા દ્રઢ ઇરાદા, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ દેખાયો. ટીમને અભિનંદન. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ....



મેચ હાઇલાઇટ્સ....
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. મેચ જીતવાની સાથે જ ભારતે શ્રેણી પર 2-1થી કબજો કર્યો હતો. આ સાથે ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું. પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, જ્યારે બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો અને ત્રીજી ટેસ્ટ ડ્રો ગઈ હતી. ચોથા દિવસના અંતે ભારતે વિના વિકેટ 4 રન બનાવ્યા હતા. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી.

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.

ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન

ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ