સેન્ટ જૉન્સઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ ઉંમરમાં ડેબ્યૂ કરનારો લેગ સ્પિનર પ્રવિણ તાંબે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં રમનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બનવા જઇ રહ્યો છે. તાંબેને ફ્રેન્ચાઇઝી ટ્રિનબાગોએ ઓનલાઇન હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે.


પ્રવિણ તાંબે આ પહેલા આઇપીએલ 2020ની હરાજીમાં પણ વેચાયો હતો, પણ 2018માં સન્યાસ લીધા બાદ ટી10 લીગમાં ભાગ લેવાના કારણે ભારતીય ક્રિકટ કન્ટ્રૉલ બોર્ડે આઇપીએલમાં તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 48 વર્ષના પ્રવિણ તાંબે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.

ટ્રિનિબાગોએ ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ફવાદ અહેમદ સાથે પણ કરાર કર્યો છે, આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ ન્યૂઝીલેન્ડની ટીમના ટિમ સેઇફર્ટ અને ઝિમ્બાબ્વેના સિકંદર રજા સાથે પણ કરાર કર્યો છે.



તાંબેએ આઇપીએલ 2014માં કોલકત્તા વિરુદ્ધ બે બૉલમાં હેટ્રિક લેવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટી20માં હવે તો માત્ર બે બૉલરો જ આ કારનામુ કરી ચૂક્યા છે. તાંબે પહેલા 2010માં ચેમ્પિયન્સ લીગમાં શ્રીલંકાના ઇસુરુ ઉડાનાએ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

કેકેઆર વિરુદ્ધ તાંબેએ પહેલા મનિષા પાંડેને સ્ટમ્પ આઉટ કર્યો હતો, પણ તે બૉલ વાઇડ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા બૉલ પર તાંબેએ બે વિકેટ લીધી હતી, આ રીતે તાંબેએ માત્ર બે બૉલમાં જ હેટ્રિક પુરી કરી લીધી હતી.