Rahmanullah Gurbaz Warning To Indian Pacers: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 રમાઇ રહ્યો છે, અને હવે સુપર-8 રાઉન્ડ શરૂ થયો જેમાં ભારતીય ટીમ આજે મેદાનમાં ઉતરશે. આજે 20 જૂન ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-8 મેચ રમાશે, જે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. આ મેચ પહેલા અફઘાનિસ્તાનના સ્ટાર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ અને મોહમ્મદ સિરાજને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો તેઓ મારી સામે બૉલિંગ કરશે તો તેમને ધોઇ નાંખીશ, રનોના ઢગલા કરી દઇશ.
ICCએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રહેમાનુલ્લા ગુરબાઝ ભારતીય ફાસ્ટ બૉલરો વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. ગુરબાઝે કહ્યું કે મારો ટાર્ગેટ માત્ર બુમરાહ નથી, ટીમમાં પાંચ બોલર રમી રહ્યા છે અને તમામ બોલર મારું ટાર્ગેટ છે.
ગુરબાઝે વીડિયોમાં કહ્યું, "સાચું કહું તો માત્ર જસપ્રીત બુમરાહ જ મારું ટાર્ગેટ નથી. બધા બોલરો જ મારું ટાર્ગેટ છે. જો ટીમની બોલિંગમાં પાંચ બોલર હોય તો મારે માત્ર બુમરાહ સાથે નહીં પણ તેમની સાથે રમવું પડશે. કદાચ બીજો બોલર આવે છે અને તે મને આઉટ કરી શકે છે, હા, જો તેમને ફટકારવાનો ચાન્સ મળ્યો તો પછી ધોઇ નાંખીશ." ગુરબાઝે વધુમાં કહ્યું, "જો બુમરાહ કે અર્શદીપ કે સિરાજ મારી સામે બૉલિગ કરશે તો હું જરૂર તેમને હિટ કરીશ."
પછી ગુરબાઝે આગળ કહ્યું કે, "અમે પહેલા પણ વર્લ્ડકપ રમ્યા છીએ અને ફરીથી અહીં આવ્યા છીએ. પરંતુ હવે ઘણો ફરક છે. ફરક એટલો છે કે પહેલા અમારી માનસિકતા ફક્ત વર્લ્ડકપમાં ભાગ લેવાની હતી, પરંતુ હવે અમારી માનસિકતા એ છે કે આપણે વર્લ્ડકપના ચેમ્પિયન બનવું જોઈએ, પરંતુ અમારા પર ચેમ્પિયન બનવાનું કોઈ દબાણ નથી, અમારો ફોકસ ફક્ત એક સમયે એક મેચ પર છે.
શાનદાર બેટિંગ કરી રહ્યો છે ગુરબાઝ
ગુરબાઝનું બેટ 2024 ટી20 વર્લ્ડકપમાં જોરદાર ચાલી રહ્યું છે. અત્યાર સુધી તેણે 4 મેચની 4 ઇનિંગ્સમાં 41.75ની એવરેજ અને 150.45ની સ્ટ્રાઇક રેટથી 167 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે.