Indian Cricket New Coach: ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. તે ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીથી પોતાની જવાબદારી સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 2021 T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે.


ભારતના મહાન ખેલાડીઓમાંના એક 48 વર્ષીય દ્રવિડ છેલ્લા છ વર્ષથી ભારત A અને U-19 સિસ્ટમનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઋષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શો, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ જુનિયર સ્તરથી રાષ્ટ્રીય ટીમ સુધીની સફર કરી ચૂક્યા છે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) બેંગ્લોરના વડા છે.






જણાવી દઈએ કે 2021 T20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચની T20 સીરીઝ અને બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતની મુલાકાતે આવશે. પ્રવાસની શરૂઆત 17 નવેમ્બરે પ્રથમ T20થી થશે. આ સીરીઝથી જ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળશે. તેમણે ઈન્ડિયા-એ અને એનસીએના વડા તરીકે તેમના કામથી ખૂબ પ્રભાવિત કર્યા છે.


ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે નિવેદન જાહેર કર્યું છે. રાહુલ દ્રવિડ વતી કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાનો કોચ બનવું ખૂબ જ ગર્વની વાત છે. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને હું આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ. મેં ઇન્ડિયા A, U-19 અને NCAમાં ઘણા ખેલાડીઓ સાથે કામ કર્યું છે, તેથી તેમની સાથે કામ કરવાની મજા આવશે. આગામી બે વર્ષમાં મોટી ઈવેન્ટ્સ છે, તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને અમે લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.