નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં આજનો રવિવાર મહત્વનો રહેશે, આજે રાજસ્થાન રૉયલ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થવાની છે. પ્લે ઓફની રેસમાં ટકી રહેવા માટે આજે રાજસ્થાન રૉયલ્સ માટે કરો યા મરોનો જંગ સાબિત થશે, આરઆરને કોઇપણ સંજોગોમાં આજે જીત મેળવવી અનિવાર્ય છે. જ્યારે બીજીબાજુ આજે જીત મેળવીને મુંબઇ પાસે પ્લે ઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનવાનો મોકો છે.

મુંબઇ 10 મેચોમાંથી સાત જીતી ચૂકી છે, ત્રણ હાર બાદ 14 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પ્રથમ નંબરે છે. આ મેચમાં જીત મળવાથી મુંબઇ ઇન્ડિયન્સને કુલ 16 પૉઇન્ટ થઇ જશે, આ સાથે જ તે પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે.

વળી, બીજીબાજુ રાજસ્થાન રૉયલ્સ માટે આજે કરો યા મરો છે, રાજસ્થાન 11 મેચોમાં ચાર જીત અને સાત હાર સાથે 8 પૉઇન્ટ લઇને સાતમા નંબર પર છે. આ મેચમાં જીતથી તેને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મદદ મળશે, જોકે ક્વૉલિફાઇ કરવા માટે ટીમે પોતાની બાકીની તમામ મેચો જીતવી અનિવાર્ય થઇ જશે.

જીત મળ્યા બાદ રાજસ્થાન રૉયલ્સ માટે પ્લે ઓફનો રસ્તો આસાન નહીં રહે, કેમકે રાજસ્થાનને અન્ય ટીમના પ્રદર્શન પર પણ આધાર રાખવો પડશે.