T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ 2022માં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ટક્કર થશે. બંને ટીમો આ મહામુકાબલા માટે પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ રમીઝ રાજાનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તે રોહિત શર્માને આઉટ કરવાનો સરળ રસ્તો જણાવતા જોવા મળી રહ્યા છે. તેણે આ ટીપ્સ તેની ટીમના કેપ્ટન બાબર આઝમને પણ આપી છે.


રમીઝ રાજાએ બીબીસી પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયા રવાના થાય તે પહેલા તે કેપ્ટન બાબર આઝમને મળ્યો હતો અને તેણે તેની સાથે ભારત સામેની મેચની રણનીતિ પર વાત કરી હતી. રમીઝ રાજાને પોડકાસ્ટ પર એવું કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે તેણે બાબર આઝમને શાહીન આફ્રિદીનો ઉપયોગ કરીને રોહિત શર્માને કેવી રીતે આઉટ કરવો તે પણ જણાવ્યું હતું.


રમીઝ રાજા કહે છે, વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા મેં બાબર આઝમને પૂછ્યું કે ભારત સામે તમારો શું પ્લાન છે? મેં તેને કહ્યું કે રોહિત શર્માથી ઝડપથી કેવી રીતે છુટકારો મેળવવો. બાબરને પણ આ સાંભળવામાં રસ પડ્યો. મેં કહ્યું, રોહિતની સામે શાહીન આફ્રિદીને 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરાવો અને એક ખેલાડીને શોર્ટ લેગ પર મૂકો. શાહીન 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઇનસ્વિંગ યોર્કર ફેંકો અને તેને એક પણ રન ન આપો અને રોહિતને સ્ટ્રાઇક રાખો. જેનાથી તમે તેને જલદીથી આઉટ કરી શકશો,


23 ઓક્ટોબરે બન્ને ટીમો ટકરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં એક સપ્તાહનો પણ સમય હવે બાકી નથી. બંને ટીમો 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. આ મેચ સાથે બંને ટીમ પોતપોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે છેલ્લા એક વર્ષમાં આ ચોથી મેચ હશે. અગાઉની ત્રણ મેચમાં પાકિસ્તાન બે વખત અને ભારત એક વખત જીત્યું છે.