Rajat Patidar Century:  રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઇ સામે મધ્યપ્રદેશની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારે પણ રણજી ટ્રોફી 2022ની ફાઈનલ મેચમાં સદી ફટકારી હતી. તેણે મેચના ચોથા દિવસના પ્રથમ સેશનમાં પોતાની સદી પૂરી કરી હતી. આ અગાઉ મધ્યપ્રદેશના યશ દુબે અને શુભમ શર્માએ પણ આ મેચમાં સદી ફટકારી છે. આ ત્રણેય બેટ્સમેનોની સદીની મદદથી મધ્યપ્રદેશની ટીમે આ મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે.






રણજી ટ્રોફી 2022ની ફાઈનલ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમે પ્રથમ દાવમાં સરફરાઝ ખાન (134), યશસ્વી જયસ્વાલ (78) અને પૃથ્વી શૉ (47)ની ઈનિંગની મદદથી 374 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે યશ દુબે (133), શુભમ શર્મા (116) અને રજત પાટીદારના અણનમ 119 રનની મદદથી સમાચાર લખાય છે ત્યાં સુધી 6 વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. આ સાથે મધ્યપ્રદેશની ટીમે 99 રનની લીડ મેળવી લીધી છે.


રણજી ટ્રોફીના 88 વર્ષના ઈતિહાસમાં મુંબઈ 41 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે  મધ્યપ્રદેશની ટીમને આ ટ્રોફી એક પણ વખત મળી નથી. આ માત્ર બીજી વખત છે જ્યારે મધ્યપ્રદેશની ટીમ રણજી ટ્રોફીની ફાઈનલ રમી રહી છે. આ પહેલા તે 1999માં રણજી ટ્રોફીની ફાઈનલ રમી હતી.


જો આ મેચ ડ્રો જાય તો પ્રથમ ઇનિંગના સ્કોરના આધારે રણજી ટ્રોફીના વિજેતાની જાહેરાત કરવામાં આવે છે. હજુ દોઢ દિવસથી વધુની રમત બાકી છે. આવી સ્થિતિમાં મુંબઈની ટીમ ચોક્કસપણે આ મેચને ડ્રો ન થાય અને પરિણામને પોતાની તરફેણમાં ફેરવવા માટે સખત પ્રયાસ કરતી જોવા મળશે.