Rohit Sharma, Ravi Shastri, IPL 2023: ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર વર્ષોથી કામનું ભારણ બમણું થઈ ગયું છે. તેમણે કહ્યું કે બેટ સાથે ફોર્મમાં ન રહેવાથી પણ રોહિતની કેપ્ટનશિપ પર અસર પડી છે. રોહિત ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેણે મુંબઈને પાંચ ટાઇટલ જીત અપાવી છે. મુંબઈએ વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટ્રોફી જીતી હતી. જોકે ગત સિઝનમાં મુંબઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. જ્યારે આ સિઝનમાં MIએ અત્યાર સુધી 10 માંથી 5 મેચ જીતી છે.


રવિ શાસ્ત્રીએ સ્વીકાર્યું કે બેટ સાથે ફોર્મમાં ન હોવાની અસર રોહિતની કેપ્ટનશિપ પર પણ પડી હતી. ESPNcricinfo સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જો તમે સારા ફોર્મમાં હોય, જ્યાં તમે રન બનાવી રહ્યા હોય, તો કેપ્ટન તરીકે કામ ઘણું સરળ બની જાય છે, જ્યારે તમે રન નથી કરતા ત્યારે મેદાન પરની બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે. જો તમે રન નથી બનાવતા ત્યારે મેદાન પર ઓછી ઉર્જા જોવા મળે છે. તમે એક સપાટ વ્યૂહરચના બનાવી શકો છો. 


રોહિત ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે



મુંબઈ ઈન્ડિયન્સનનો  કેપ્ટન રોહિત શર્મા IPL 2023 સીઝનમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. દસ મેચોમાં તેણે 18.39ની એવરેજથી 184 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 126.89 છે. તેમાં બે ડકનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, "આ તે જગ્યા છે જ્યાં એક સુકાની તરીકે તમે સારું પ્રદર્શન કરો તે વધારે મહત્વનું છે. તેની કારકિર્દીનો સ્ટેજ અને  અને તેની પાસે જે પ્રકારની ટીમ છે તેના કારણે હવે તે મુશ્કેલ છે. જ્યારે ટીમ એક અથવા તો બે વર્ષ બાદ એક શાનદાર ટીમ બની શકે છે. પરંતુ યોગ્ય ટીમ કોમ્બિનેશન મેળવવું એ કેપ્ટનનું કામ છે. તમારી પાસે બે કે ત્રણ વર્ષ પહેલાં જે સંસાધનો હતા તે હવે નથી. એક કેપ્ટન તરીકે તેના માટે પડકારો બમણા થઈ ગયા છે. કેપ્ટન તરીકેનું કામ બમણું થઈ ગયું છે. બે વર્ષ પહેલાની સરખામણીમાં જ્યારે બધું સારું હતું, ત્યારે કેપ્ટને માત્ર મેદાન પર જઈને પોતાનું કામ કરવાનું હતું.