Ravindra Jadeja Family Controversy: મારે રવિ (રવિન્દ્રસિંહ જાડેજા) કે એની પત્ની (રીવાબા જાડેજા) સાથે કોઈ પણ સંબંધ નથી. હું તેની સાથે નથી બોલતો અને એ મને નથી બોલાવતા. રવિન્દ્રના લગ્નના બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઉભો થયો હતો. હું જામનગરમાં એકલો રહુ છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. આ વાત બીજા કોઈ નહીં પણ ખુદ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહી છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ પોતાના અને દીકરા રવિન્દ્ર સાથેના સંબંધને લઈને અનેક ખુલાસા આ વાતચીતમાં કર્યા છે. જોકે આ મામલે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા સાથે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે આ મુદ્દે કંઈ જ કહેવાનો ઇનકાર કર્યો હતો.


અનિરૂદ્ધસિંહ જાડેજાએ મીડિયા હાઉસને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા છે. તેમણે પુત્રવધુ રિવાબા વિશે કહ્યું કે, તેણે ખટપટ કરીને પરિવારને નોખો કરી નાખ્યો, તેને પરિવાર જોઈતો નથી. બધુ સ્વતંત્ર જોઈએ છે. તેણે કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. કોઈ ચીજ નહીં, નફરત જ. 


અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી અમે રવિન્દ્રની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ સસરા જ બધો વહીવટ કરે છે. એમની દખલગીરી ખૂબ જ છે. તેમણે આગળ કહ્યું કે, મારી પાસે ગામડે જમીન પણ છે અને 20 હજાર રૂપિયાનું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ બીએચકેના ફ્લેટમાં એકલો રહુ છું. હું મારી જીંદગી મારી રીતે જીવુ છું. આ ફ્લેટમાં આજે પણ અનિરુદ્ધસિંહે દીકરા રવિન્દ્રનો રૂમ સુંદર રીતે સજાવીને રાખ્યો છે.




(રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબા જાડેજા)


તેઓ આગળ કહે છે, અમે ઘણી નહેનત કરી દીકરાને ક્રિકેટર બનાવ્યો છે. આર્થિક સ્થિતિ સારી ન હતી અને નયનાબા (રવિન્દ્ર જાડેજાના બહેન)એ ખૂબ જ ભોગ આપ્યો છે. નયનાબાએ રવિન્દ્રને બહેન નહીં પણ માતાની જેમ મોટો કર્યો છે પણ તેની સાથે પણ કોઈ વ્યવહાર રાખતા નથી. અનિરુદ્ધસિંહ આગળ કહ્યું કે, રીવાબા માતા પિતાનું એક જ સંતાન છે. તેને રવિની નહીં પણ પૈસાથી જ મતલબ છે.


અનિરૂદ્ધસિંહના કહેવા પ્રમાણે  લગ્નના એક મહિનમાં જ હોટલની માલિકીને લઈને વિવાદ શરૂ થયો હતો. રિવાબા હોટલ પોતાના નામે કરવા માગતા હતા.


તેમણે દાવો કર્યો છે કે, રવિન્દ્રના સાસરી પક્ષના લોકો ઉદ્યોગપતિ હોવાની વાત ખોટી છે. આજની તારીખમાં પણ તેઓ રેલવે ક્વાર્ટરમાં રેહ છે. હમમાં રવિન્દ્રના પૈસે 2 કરોડનો બંગલો લીધો. હું રવિન્દ્રને ફોન નથી કરતો અને મારે એની જરૂર નથી. હું દુઃખનો માર્યો રડું છું. રક્ષાબંધનના દિવસે બેન પણ રડતી હોય છે.'


જોકે આ મામલે ખુદ રવિન્દ્ર જાડેજાએ ખુલાસો કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું કે, હાલમા દિવ્યભાસ્કરમા અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.