PAK vs AUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો પર સમાપ્ત થઈ ગઈ છે. ચાહકોથી લઈને દિગ્ગજ ક્રિકેટ નિષ્ણાતો સુધી રાવલપિંડીની આ પિચને ટેસ્ટ મેચ માટે યોગ્ય જાહેર કરવામાં આવી નથી. કારણ કે પાંચ દિવસ દરમિયાન 1187 રન, 14 વિકેટ અને 379 ઓવર પછી પણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પીચ પર બોલરો માટે મદદ નહિવત હતી
મેચમાં શું થયું
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવ 4 વિકેટે 476 રને ડિકલેર કર્યો હતો. ઈમામ ઉલ હકે 157 રન અને અઝહર અલીએ 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 459 રન બનાવી ઓલઆઉટ થતાં પાકિસ્તાનને પ્રથમ દાવના આધારે 17 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 97 રન, લાબુશાનેએ 90 રન અને સ્ટીવ સ્મિથે 78 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 272 રન બનાવ્યા હતા. અબ્દુલા શફીક 136 રને અને ઈમામ ઉલ હક 111 રને નોટ આઉટ રહ્યા હતા.
છેલ્લા 24 વર્ષમાં પાકિસ્તાનમાં તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન બોલરોને બંને ઇનિંગ્સમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન બોલર્સ બીજી ઈનિંગમાં 77 ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. જ્યારે પ્રથમ ઈનિંગમાં 162 ઓવરમાં 4 વિકેટ ઝડપી શક્યા હતા.
મેચ ડ્રો, ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર
મેચ ડ્રો જતાં ઓસ્ટ્રેલિયા 77.77 ટકા સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમે, 66.65 ટકા સાથે પાકિસ્તાન બીજા, 66.66 ટકા સાથે શ્રીલંકા ત્રીજા, 60 ટકા સાથે સાઉથ આફ્રિકા ચોથા અને 54.16 ટકા સાતે ભારત પાંચમાં ક્રમે છે. પોઈન્ટની રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયાના 56, પાકિસ્તાનના 40, શ્રીલંકાના 24, સાઉથ આફ્રિકાના 36 અને ભારતના 65 પોઇન્ટ છે.