ટીમ ઈંડિયાએ શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી હતી. ભારતે શ્રીલંકાને ત્રણ દિવસમાં જ એક ઈનિંગ અને 222 રનથી માત આપી હતી. વિરાટ કોહલી માટે આ મેચ મહત્વની મેચ હતી. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ હતી. આ મેચમાં કોહલીએ 45 રન બનાવ્યા હતા. મેચ પછી કોહલીએ પોતાની દરિયાદિલીથી બધાના દિલ જીતી લીધા હતા.


દિવ્યાંગ ફેનને આપ જર્સીઃ
મોહાલીમાં રમાયેલી આ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીએ સ્ટેડિયમની બહાર નિકળતા સમયે પોતાના એક દિવ્યાંગ ચાહકને ભેટ સ્વરુપે પોતાની જર્સી આપી હતી. કોહલીનો આ જર્સી ભેટ આપવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. કોહલીના આ દિવ્યાંગ ફેનનું નામ ધર્મવીર પાલ છે. 






વીડિયોમાં જોઈ શકાય છે કે, ધર્મવીર ટીમ બસ પાસે કોહલીની રાહ જોઈ રહ્યા હતા. જે બાદ કોહલી પોતાની જર્સી લઈને આવે છે અને ધર્મવીરને આપે છે. જર્સી મેળવીને ધર્મવીરની ખુશીનો પાર નથી રહેતો.


100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય ખેલાડી કોહલીઃ
ઉલ્લેખનીય છે કે, 100 ટેસ્ટ રમનાર વિરાટ કોહલી ભારતનો 12મો ખેલાડી બન્યો છે. આ પહેલાં સચિન તેંદુલકર (200 ટેસ્ટ), રાહુલ દ્રવિડ (165 ટેસ્ટ), વીવીએસ લક્ષ્મણ (134 ટેસ્ટ), અનિલ કુંબલે (132 ટેસ્ટ), કપિલ દેવ (131 ટેસ્ટ), સુનીલ ગાવસ્કર (125 ટેસ્ટ), દિલીપ વેંગસરકર (116 ટેસ્ટ), સૌરવ ગાંગુલી (113 ટેસ્ટ), ઈશાંત શર્મા (105 ટેસ્ટ), હરભજન સિંહ (103 ટેસ્ટ) અને વિરેન્દ્ર સહેવાગ (103 ટેસ્ટ) ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમવાનો કીર્તિમાન સ્થાપી ચુક્યા છે.