WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
WPL 2025: RCB એ મહિલા પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચ 6 વિકેટથી જીતી લીધી છે. બેંગ્લોર ટીમ તરફથી એલિસ પેરી અને રિચા ઘોષે અડધી સદી ફટકારી હતી.

RCB vs GG Match Report: મહિલા પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ સિઝનની શરૂઆત મોટી જીત સાથે કરી છે. WPL 2025 ની પહેલી મેચમાં, ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 201 રન બનાવ્યા. જવાબમાં, બેંગલુરુએ 9 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી. બેંગલુરુ તરફથી એલિસ પેરીએ ૫૭ રન અને રિચા ઘોષે અણનમ ૬૪ રન બનાવીને આરસીબીની જીતમાં મોટો ફાળો આપ્યો.
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મંધાનાએ કહ્યું કે ઝાકળ પછીથી મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે અને વાસ્તવમાં, કંઈક આવું જ બન્યું હતું. ગુજરાત બેટિંગ કરતી વખતે સ્કોરબોર્ડ પર 201 રન મૂકવામાં સફળ રહ્યું. પરંતુ બીજા દાવમાં ઝાકળને કારણે બોલિંગ કરવી મુશ્કેલ બની ગઈ. જોકે, RCB એ સ્મૃતિ મંધાના (9 રન) અને ડેનિયલ વ્યાટ (4 રન) ની વિકેટ વહેલી ગુમાવી દીધી. પરંતુ એલિસ પેરી અને રિચા ઘોષે પરિસ્થિતિનો પૂરો ઉપયોગ કર્યો અને RCBને વિજય અપાવ્યો.
RCB એ બનાવ્યો શાનદાર રેકોર્ડ
RCB મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોરનો પીછો કરનાર ટીમ બની ગઈ છે. WPLના ઇતિહાસમાં 200 થી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરનાર RCB પ્રથમ ટીમ પણ છે. અગાઉ આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે હતો, જેણે 2024માં ગુજરાત જાયન્ટ્સ સામે 191 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગુજરાત માટે શરમજનક વાત છે કે WPL ઇતિહાસમાં ચાર સૌથી મોટા રનનો પીછો ફક્ત ગુજરાતની ટીમ સામે જ કરવામાં આવ્યો છે.
તમને એ પણ જણાવી દઈએ કે RCB મહિલા પ્રીમિયર લીગમાં છેલ્લા ચાર મેચમાં હાર્યું નથી. બેંગલુરુએ WPL 2024 માં તેમની છેલ્લી ત્રણેય મેચ જીતીને જીતની હેટ્રિક નોંધાવી. તે જ સમયે, WPL 2025 ની પહેલી મેચ જીતીને, તેણે તેની જીતનો સિલસિલો ચાર મેચ સુધી લંબાવ્યો છે.
આ પણ વાંચો...