Shikhar Dhawan Record: દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ વર્ષની IPL માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ધવનની બેટિંગએ ટીમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ જવામાં ઘણો ફાળો આપ્યો છે. દિલ્હીની ટીમ ભલે ગઈકાલે RCB સામેની મેચ હારી ગઈ હોય પરંતુ ધવને અહીં પણ શાનદાર ઈનિંગ રમી અને પૃથ્વી શો સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી. આ ઇનિંગ દરમિયાન ધવને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દિલ્હીની ટીમ તરફથી રમતી વખતે તેણે IPL માં તેના 2000 રન પૂરા કર્યા છે. ધવન ફ્રેન્ચાઇઝીમાં આવું કરનારો ચોથો બેટ્સમેન છે.


ગબ્બર તરીકે જાણીતા શિખર ધવને ગઈ કાલે બેંગ્લોર સામે 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે પૃથ્વી શો સાથે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. આ સાથે તેણે આઈપીએલમાં દિલ્હી માટે પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે.


ધવનને 2019માં દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો


શિખર ધવન સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ટ્રેડ થઈને 2019 માં દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાયો હતો. આ વર્ષે ધવને IPL ની 14 મેચમાં 41.84 ની સરેરાશ અને 128.00 ની સ્ટ્રાઈક રેટથી 544 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી સામેલ છે. આ વર્ષે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 92 રન રહ્યો છે. આ સિવાય ધવને આ વર્ષે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 61 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા છે.


આ વર્ષની ઓરેન્જ કેપ રેસમાં ધવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (13 મેચમાં 626 રન) અને ચેન્નઈના ઓપનર ફાફ ડુ પ્લેસિસ (14 મેચમાં 546 રન) પછી ત્રીજા સ્થાને છે.


ધવન IPL માં આ યાદીમાં બીજા નંબરે છે


આઈપીએલમાં અત્યાર સુધી ધવન 190 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 5741 રન બનાવ્યા છે. IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ધવન RCB કેપ્ટન (6,240 રન) પછી બીજા ક્રમે છે.