મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝની મેલબર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતનો હાથ અત્યારે ઉપર છે. આ મેચમાં ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાની રણનીત અપનાવીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પરેશાન કરી મૂક્યા હતા.


આ પૈકી વિકેટકીપર રીષભ પંતે ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ વેડને એટલો પરેશાન કર્યો હતો કે પંત અને વેડ ઝગડી પડ્યા હતા. અલબત્ત તેની શરૂઆત વેડે કરી હતી. વેડે પંતને ‘જાડિયો’ ગણાવીને કહ્યું હતું કે, તારું વજન 25 કિલો વધારે છે. વેડે પંતને એવું પણ પૂછ્યું હતું કે, તારું વજન 20 કિલો વધારે છે કે 25 કિલો કે 30 કિલો ? પંત ઉશ્કેરાયા વિના સ્માઈલ આપ્યા કરતો હતો તેથી વેડ અકળાયો હતો. સ્ટમ્પ માઈકમાં વેડ એવું કહેતો સંભળાતો હતો કે, બિગ સ્ક્રીન પર પાછો પોતાને જોવા માંડ્યો ? તને બિગ સ્ક્રીન પર જોવાની બહુ મજા આવે છે.

વેડે પછીથી ટીવી ચેનલના પત્રકારને પણ કહેલુ કે, પંત હંમેશાં હસ્યા કરે છે, એ વધારે બોલતો નથી ને હસ્યા જ કરે છે. મને ખબર પડત નથી કે શું ફની છે કે એ હસ્યા જ કરે છે.

વિકેટકીપર રીષભ પંત અને વેડ વચ્ચે મેચમાં અનેક વાર જીભાજોડી થઈ હતી. પંતના હાસ્યથી વેડ એટલો ગુસ્સે થઈ ગયો હતો કે પંત સામે ગુસ્સે થઈને ઈશારા કર્યા હતા. એ છતાં પણ પંતે સ્લેજિંગ ચાલુ રાખતાં બંને વચ્ચે અફડાતફડી થઈ ગઈ હતી. આખી ઈનિંગ્સ દરમિયાન પંતે વેડને અનેકવાર પરેશાન કર્યો હતો.

લંચ પછી બીજા સત્રમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને વેડ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન ઈનિંગમાં 25મી ઓવરમાં વેડે બુમરાહના બોલને ડિફેન્સ કર્યો પછી પંત વિકેટ પાછળથી વેડને કંઈક કહેતાં વેડ તેની તરફ ગુસ્સાથી ઈશારો કર્યો હતો. પંત મેચની પ્રથમ ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરતો નજરે પડ્યો હતો.