Rishabh Pant, Rajat and Nishu: તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. હાલમાં ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, જ્યારે ઋષભ પંતનો અકસ્માત થયો ત્યારે રજત અને નિશુ નામના યુવકે તેની મદદ કરી હતી. સોમવારે રજત અને નિશુ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ઋષભ પંતની સારવાર ચાલી રહી છે. બંને યુવકોએ આ ઘટનાને યાદ કરીને જણાવ્યું કે કેવી રીતે તેઓએ ઋષભ પંતને મદદ કરી હતી.


રજતે અકસ્માતની વાત કરી...


રજતે કહ્યું કે જ્યારે અમે ઋષભ પંતને જોયો ત્યારે તેની હાલત ખૂબ જ નાજુક હતી, ત્યારબાદ અમે મદદ કરી હતી. આ પછી સુશીલ કુમાર નામના બસના ડ્રાઈવર અને કંડક્ટરે 108 પર ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી. રજત કહે છે કે તે સમયે અમને ખબર ન હતી કે તે વ્યક્તિ કોણ છે. અમે માનવતા ખાતર મદદ કરી હતી.  બાદમાં અમે તેને  હોસ્પિટલ સુધી પહોંચવામાં મદદ કરી.


'ઋષભ પંત દર્દથી રડતો હતો...'


ઋષભ પંતને મદદ કરનાર રજતનું કહેવું છે કે તે સમયે ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન દર્દથી રડી રહ્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સમાં પેઈનકિલર આપવામાં આવી હતી. તેણે કહ્યું કે ઋષભ પંતના માથાની આસપાસ દુપટ્ટો ચુસ્ત રીતે બાંધવામાં આવ્યો હતો, જેથી જે લોહી નીકળતું હતું તેને રોકી શકાય. ઉપરાંત, રજતનું કહેવું છે કે અકસ્માત બાદ તેણે પોલીસને 4,000 રૂપિયા પરત કર્યા હતા. વાસ્તવમાં આ પૈસા ઋષભ પંતના હતા. જો કે રજત અને નિશુ નામના બંને યુવકોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.    


શુક્રવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને આઈસીયુમાંથી પ્રાઈવેટ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે. દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે BCCI તેમના પગના લિગામેંટ સારવાર માટે તેમને વિદેશ મોકલવાનો નિર્ણય પણ લઈ શકે છે.


ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.