નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રદર્શનથી ઋષભ પંતે ચારેબાજુ પ્રસંશા મેળવી છે. ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સ પંતને એક અલગ ક્રિકેટર તરીકે જોઇ રહ્યાં છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની સાથેની તુલનાથી ખુશ છે, પરંતુ તેને ગુરુવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ તે ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા માંગે છે.


પંતની હંમેશાથી બે વખતના વિશ્વ વિજેતા કેપ્ટન ધોની સાથે તુલના કરવામાં આવી રહી છે. ધોનીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લઇ લીધો હતો.

બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં અણનમ 89 રનોની મેચ જીતાઉ ઇનિંગ રમનારા પંતે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફર્યા બાદ પત્રકારોને કહ્યું - જ્યારે તમારી તુલના ધોની જેવા ખેલાડી સાથે કરવામાં આવે છે તો બહુજ સારુ લાગે છે, તમે મારી તુલના તેમની સાથે કરો છો.

ઋષભ પંતે કહ્યું -આ શાનદાર છે પરંતુ હું નથી ઇચ્છતો કે મારી તુલના કોઇની સાથે કરવામાં આવે, હું ભારતીય ક્રિકેટમાં મારી અલગ ઓળખ બનાવવા માંગુ છુ, કેમકે કોઇ યુવા ખેલાડીની કોઇ દિગ્ગજ સાથે તુલના કરવી યોગ્ય નથી. સિડની ટેસ્ટમાં 97 રન બનાવનારો પંત હજુ આ જીતનો આનંદ લેવા માગે છે. તેને કહ્યું- અમે ઓસ્ટ્રેલિયામાં સીરીઝમાં જે રીતે રમત બતાવી, તેનાથી આખી ટીમ ખુશ છે.

ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ મેચ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારત હાર્યુ હતુ, બાદમાં કોહલી સ્વદેશ પરત ફર્યો અને કમાન રહાણેને સોંપવામાં આવ હતી. રહાણેએ દમદાર કેપ્ટનશીપ કરતાં બાકીને ત્રણ મેચોમાંથી બે ટેસ્ટ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં માત્ર 36 રન ઓલઆઉટ થયા બાદ સીરીઝમાં દમદાર વાપસી કરી હતી.