India vs South Africa: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણી પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા કેએલ રાહુલને ઈજા થઈ છે. તેની ઈજા એટલી ગંભીર છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ શ્રેણી માટે ઋષભ પંતને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈએ માહિતી આપીઃ
કેએલ રાહુલની ઈજા અંગે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. પરંતુ BCCIએ પુષ્ટિ કરી છે કે KL રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણીનો ભાગ નહીં હોય. જો કે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. ત્યારે દક્ષિણ આફ્રીકા સામેની ટી20 સીરીઝની કમાન પંતને સોંપાઈ છે.
ટીમની કમાન પંતના હાથમાંઃ
શ્રેણીની શરૂઆત પહેલાં જ ઋષભ પંતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હવે BCCI એ સ્પષ્ટ કર્યું છે કે, કેએલ રાહુલ ના રમવાની સ્થિતિમાં ટીમની કમાન ઋષભ પંતના હાથમાં રહેશે. ઋષભ પંત પ્રથમ મેચમાં કેપ્ટનશિપ કરતાની સાથે જ T20માં કેપ્ટનશિપ કરનારો ભારતનો બીજો સૌથી યુવા કેપ્ટન બની જશે. નંબર વન પર સુરેશ રૈના છે, જેણે 2010માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20માં ભારતીય ટીમની કમાન સંભાળી હતી.