નવી દિલ્હી: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન કરણ શર્માની 93 રનની અણનમ ઇનિંગને કારણે ઉત્તર પ્રદેશે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજા દિવસે કર્ણાટકને હરાવ્યું હતું. 5 વિકેટની જીત સાથે ઉત્તર પ્રદેશ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. મનીષ પાંડેની કેપ્ટનશીપમાં કર્ણાટકની ટીમે પ્રથમ ઇનિંગમાં 98 રનની લીડ મેળવી હતી પરંતુ બીજી ઇનિંગમાં સૌરભ કુમાર (36 રનમાં 3 વિકેટ), અંકિત રાજપૂત (15 રનમાં 2 વિકેટ) અને યશ દયાલ (35 રનમાં 2 વિકેટ) ) ) ની બોલિંગ સામે માત્ર 114 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.






ઉત્તર પ્રદેશને 213 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 65.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. 114 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઉત્તર પ્રદેશની ટીમ પણ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી પરંતુ કેપ્ટન કરણ (અણનમ 93) અને પ્રિન્સ યાદવ (અણનમ 33)એ છઠ્ઠી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરીને લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.


કેપ્ટન કરણ શર્માએ 163 બોલમાં 13 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. પ્રિયમ ગર્ગે પણ 60 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગર્ગે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કર્ણાટકે પ્રથમ દાવમાં 253 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઉત્તર પ્રદેશની ટીમ 155 રન જ બનાવી શકી હતી.


કર્ણાટક માટે માત્ર શ્રીનિવાસ શરથ (23 અણનમ) અને મયંક અગ્રવાલ (22) બીજા દાવમાં 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા.  કર્ણાટકની ટીમે બુધવારે ત્રીજા દિવસે 8 વિકેટે 100 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને તેણે 14 રન ઉમેરતા રોનિત મોરે (0) અને વિધાત કવેરાપા (0)ની વિકેટ પણ ગુમાવી દીધી હતી. બંને વિકેટ યશ દયાલના ખાતામાં ગઈ હતી.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઉત્તર પ્રદેશની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઝડપી બોલર વિજયકુમાર વિષકે (47 રનમાં 3 વિકેટ) બંને ઓપનર સમર્થ સિંહ (14) અને આર્યન જુયલ (01)ને 28 રનના સ્કોર સુધી પેવેલિયન મોકલી દીધા હતા. ત્યાર બાદ ગર્ગ અને કરણે 59 રન ઉમેરીને ઇનિંગને સંભાળી હતી.


રિંકુ સિંહ પણ 4 રન બનાવીને બોલ્ડ થયો હતો. વિજયકુમારે ધ્રુવ જુરેલ (09)ને આઉટ કરીને ઉત્તર પ્રદેશને પાંચમો ઝટકો આપ્યો હતો, પરંતુ આ પછી કરણ અને પ્રિન્સે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી.