રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપવાળી ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમે વિજય સાથે શરૂઆત કરી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શનિવારે (10) રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સે દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સને 61 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતનો હીરો સ્ટુઅર્ટ બિન્ની રહ્યો હતો. જેણે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં 11 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ લિજેન્ડ્સ વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ સામે ટકરાશે.






રાહુલ શર્માની શાનદાર બોલિંગ


218 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા લિજેન્ડ્સે સારી શરૂઆત કરી હતી. મોર્ને વાન વિક (26) અને એન્ડ્રુ પુટિક (23)એ છ ઓવરમાં 43 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલ શર્માએ વિકને એલબીડબ્લ્યુ આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી હતી. બાદમાં બીજા સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાએ એન્ડ્રુ પુટિકને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો આપ્યો હતો.


સાઉથ આફ્રિકા લિજેન્ડ્સના ખેલાડીઓ એક પછી એક આઉટ થતા પેવેલિયન પરત ફર્યા હતા અને સમગ્ર ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 156 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સ તરફથી કેપ્ટન જોન્ટી રોડ્સે 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી રાહુલ શર્માએ સૌથી વધુ ત્રણ જ્યારે મુનાફ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાએ બે-બે વિકેટ લીધી હતી.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમને કેપ્ટન સચિન તેંડુલકર અને નમન ઓઝાએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 5.2 ઓવરમાં 46 રનની ભાગીદારી કરી હતી. મખાયા એનટિનીએ સચિન તેંડુલકરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. તેંડુલકરે બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા.


આ પછી સુરેશ રૈના અને સ્ટુઅર્ટ બિન્નીએ ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરીને ઇનિંગ સંભાળી હતી. રૈનાના આઉટ થયા બાદ યુવરાજ સિંહ ક્રિઝ છ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ સ્ટુઅર્ટ બિન્ની અને યુસુફ પઠાણે 87 રનની આક્રમક પાર્ટનરશીપ કરીને ભારતને ચાર વિકેટે 217 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.


સ્ટુઅર્ટ બિન્નીએ 42 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવ્યા હતા. આ સાથે જ યુસુફ પઠાણે 15 બોલમાં અણનમ 35 રનની ઇનિંગ રમી હતી. પઠાણે પોતાની ઇનિંગમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી.


ઇન્ડિયા લિજેન્ડ્સે પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું


રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની આ બીજી સીઝન છે. 2020-21માં ભારતમાં પણ પ્રથમ સિઝન યોજાઈ હતી જેમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે આ ટુર્નામેન્ટમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની ટીમો પણ ભાગ લેશે.