Rohit Sharma first 50+ ICC final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અદ્ભુત બેટિંગનું પ્રદર્શન કર્યું અને માત્ર 41 બોલમાં અડધી સદી ફટકારીને એક નવો ઇતિહાસ રચ્યો. આ ઇનિંગ્સ રોહિત માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે ICCની ફાઇનલમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેણે 50 રનનો આંકડો પાર કર્યો હોય. આ સિદ્ધિ સાથે રોહિતે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી.
રોહિત શર્માને ICC ટૂર્નામેન્ટ્સમાં તેના મજબૂત પ્રદર્શન માટે ઓળખવામાં આવે છે. તેણે અગાઉ પણ અનેક વખત મોટી ટૂર્નામેન્ટ્સમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમવામાં તે ઘણી વખત ચૂકી ગયો હતો. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે તેણે અલગ અભિગમ અપનાવ્યો.
આ વખતે રોહિતે આક્રમક શરૂઆત કરી અને પોતાની વિકેટ પણ જાળવી રાખી. શુભમન ગિલ સાથે મળીને પ્રથમ 10 ઓવરમાં 64 રન જોડ્યા બાદ, તેણે સાવચેતીપૂર્વક રમત આગળ વધારી. જો કે, આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ પહેલાં રોહિતનું પ્રદર્શન જોઈએ તો, તેણે 4 ઇનિંગ્સમાં 26ની સરેરાશથી માત્ર 104 રન બનાવ્યા હતા. પરંતુ ફાઇનલમાં તેણે સૌથી મોટી અને યાદગાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. વર્તમાન ટૂર્નામેન્ટમાં આ તેની સર્વોચ્ચ વ્યક્તિગત ઇનિંગ્સ પણ છે, જે ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ.
રોહિત શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ICC ફાઇનલ રમી હતી, જેમાં પાકિસ્તાન સામે તેણે 16 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ, ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 14 બોલમાં 9 રન અને T20 વર્લ્ડ કપ 2014ની ફાઇનલમાં 26 બોલમાં 29 રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં તે પાકિસ્તાન સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બે ફાઇનલમાં પણ રોહિતનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. WTC 2021માં ન્યુઝીલેન્ડ સામે તેણે 34 અને 30 રન બનાવ્યા હતા, જ્યારે WTC 2023માં ઓસ્ટ્રેલિયા સામે 15 અને 43 રન બનાવ્યા હતા. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તે 31 બોલમાં 47 રન કરીને આઉટ થયો હતો અને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 5 બોલમાં 9 રન બનાવી શક્યો હતો.
આ પણ વાંચો...
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?