World cup 2023:ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં 47 રનની ઇનિંગ રમી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. રોહિતનો સ્ટ્રાઈક રેટ 151.61 હતો.


રોહિત વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો હતો. તેણે આ વર્લ્ડ કપની 11 મેચોની 11 ઇનિંગ્સમાં 54.27ની એવરેજથી 597 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન તરીકે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો હતો. વિલિયમસને 2019 વર્લ્ડ કપમાં 578 રન બનાવ્યા હતા. ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તેની ટીમ હારી ગઈ હતી.


રોહિત અને વિલિયમસન પછી, કેપ્ટન તરીકે વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શ્રીલંકાના મહેલા જયવર્દને છે. તેણે 2007માં 548 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઈ હતી. કાંગારૂ ટીમ ચોથી વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી.


રિકી પોન્ટિંગે 2007 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 539 રન બનાવ્યા હતા. તેણે પોતાની કેપ્ટનશીપમાં ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવ્યું. જ્યારે 2019માં ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે 507 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેની ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. 


કોહલીએ બનાવ્યો ખાસ રેકોર્ડ


વિરાટ કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. તેણે 1996-2011 વચ્ચે 46 વર્લ્ડ કપ મેચ રમી જેમાં તેણે 1743 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ 2011 થી 2023 વચ્ચે કુલ 37 વર્લ્ડ કપ મેચ રમી છે. જેમાં તેના નામે 1750થી વધુ રન નોંધાયા છે. આ યાદીમાં પ્રથમ નંબરની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. જેણે 1992-2011 વચ્ચે 45 વર્લ્ડ કપ મેચ રમીને કુલ 2278 રન બનાવ્યા હતા.


ચોથા નંબરની વાત કરીએ તો અહીં રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિતે 2015-2023 વચ્ચે કુલ 28 મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 1560 રન આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી માટે અત્યાર સુધી આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં જ તેણે સચિન તેંડુલકરનો વનડેમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં આ રેકોર્ડ તોડ્યો હતો અને તેની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી.